<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

પાટીદાર આંદોલન: વરુણ પટેલે પુંજ કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની કરી માંગ : આનંદીબેન પટેલના રાજીનામા અને આંદોલનના મુદ્દાઓ ફરી ચર્ચામાં

જસદણમાં દિનેશ બાંભણિયાએ કહ્યું - અમારા લીધે આનંદીબેનને CMની ખુરશી છોડવી પડી, માફી માંગવી છે, હાર્દિક પટેલે કહ્યું - આંદોલન કોઈને હટાવવા માટે નહોતું, વરુણ પટેલે કહ્યું - પટેલોને રાજકીય રીતે ખતમ કરવા આનંદીબેનને હટાવાયા હતા, હવે રિપોર્ટ જાહેર કરો તો સત્ય સામે આવે

રાજકોટ / અમદાવાદ તા.૧૭ : ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા ફરી ગરમાયો છે. જસદણમાં યોજાયેલા પાટીદાર શૈક્ષણિક સખી સંમેલનમાં પાટીદાર આંદોલનના પૂર્વ આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેર મંચ પરથી અફસોસ વ્યક્ત કર્યા બાદ પાટીદાર નેતા વરુણ પટેલે પુંજ કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે.

ગુજરાતમાં ૨૦૧૫માં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને પોલીસ દમનના આક્ષેપોની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ કે.એ. પુંજના અધ્યક્ષસ્થાને તપાસ પંચની રચના કરવામાં આવી હતી.

વરુણ પટેલે ટ્વિટ કરીને માંગ કરી છે કે, આ પંચનો અહેવાલ જાહેર કરવામાં આવે, જેથી તે સમયની ઘટનાઓ પાછળની હકીકતો અને જવાબદારીઓ સ્પષ્ટ થઈ શકે. વરુણ પટેલે કહ્યું કે, પટેલોને રાજકીય રીતે ખતમ કરવા માટે તે સમયે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. અત્યારે પણ ગુજરાતમાં આવો જ માહોલ છે.

આ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ વિધાનસભામાં આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કમિશને ૮ જુલાઈ ૨૦૨૦ના રોજ રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો, છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી અને રિપોર્ટ જાહેર કર્યો નથી. ૨૫-૨૬ ઓગસ્ટ ૨૦૧૫ની હિંસામાં ૧૪ પાટીદાર યુવાનોના મોત થયાનો આક્ષેપ પણ કરાયો હતો.

જસદણ કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, “પાટીદાર અનામત આંદોલનના કારણે સમાજને ઘણું મળ્યું, સવર્ણ સમાજને ૧૦% EWS અનામત મળી, પરંતુ સમાજે ખૂબ જ સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુમાવ્યા તેનું દુઃખ છે. અમારા લીધે આનંદીબેનને CMની ખુરશી છોડવી પડી, માફી માંગવી છે.” તેમણે આનંદીબેનને મળીને માફી માંગવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં આનંદીબેનની દીકરી અનાર પટેલ પણ હાજર હતા.

અનાર પટેલે કહ્યું હતું કે, મમ્મીને આ અંગે કોઈ રંજ નથી. આંદોલનકારીઓએ મનમાં ભાર ન રાખવો જોઈએ.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે બાંભણિયાના નિવેદનથી અલગ મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, “આંદોલનને આજે ૧૨ વર્ષ થયા છે. આંદોલનના કારણે કોઈએ રાજીનામું આપ્યું નથી. આંદોલન કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી પદેથી હટાવવા કે કોઈને નુકસાન પહોંચાડવા માટે નહોતું, પરંતુ સમગ્ર પાટીદાર સમાજના હિત માટે કરવામાં આવ્યું હતું. મને આંદોલનનો કોઈ રંજ નથી.” બાંભણિયાનું નિવેદન તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે, તેમ હાર્દિકે કહ્યું હતું.

SPG પ્રમુખ લાલજી પટેલ અને ધાર્મિક માલવિયાએ પણ રાજકીય ષડયંત્રનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આંદોલનના નામે આનંદીબેનને હટાવવાનું ષડયંત્ર કોનું હતું, તે પુંજ કમિશનનો રિપોર્ટ જાહેર થાય તો સામે આવશે.

૨૦૨૭ની ચૂંટણી પહેલા પાટીદાર રાજકારણ ફરી ગરમાયું છે. કોળી સમાજના CMની માંગ, પાટીદાર CMની ચર્ચા અને હવે પુંજ કમિશનનો રિપોર્ટ - આ ત્રણેય મુદ્દાઓ ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહ્યા છે.

(4:25 PM IST)