તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધબધબાટી બોલાવી: સમી, હારીજ અને શંખેશ્વરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
હારીજના રોડા, કુકરાણા અને બોરતવાડા તેમજ સમીના વરાણા, માંડવી, જાખેલ અને દાઉદપુર જેવા ગામડાઓમાં મેઘમહેર થતા ખેતીના કામોમાં વેગ

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે મેઘરાજાએ મહેરબાન થઈને પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધબધબાટી બોલાવી છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.
પાટણ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે, સમી, હારીજ અને શંખેશ્વરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. હારીજના રોડા, કુકરાણા અને બોરતવાડા તેમજ સમી તાલુકાના વરાણા, માંડવી, જાખેલ અને દાઉદપુર જેવા ગામડાઓમાં પણ મેઘમહેર થતા ખેતીના કામોમાં વેગ આવ્યો છે. શંખેશ્વરના પચાસર અને લોલાડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને રાધનપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં માત્ર એક જ દિવસમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. આ વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયની રાહ બાદ થયેલા આ વાવણીલાયક વરસાદથી પાકને નવું જીવન મળ્યું છે.
પાટણ જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્તા ધરતીપુત્રો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો હવે ખેતરોમાં વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે અને આવનારા સમયમાં સારો પાક થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ પડતા શહેરીજનો અને ગ્રામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
