તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
પાટણ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી અને તેમની ટીમ દ્વારા સફળ ડિકોય રેડ : બિલિયા ગ્રામ પંચાયતના વીસીઈ મેહુલકુમાર પટેલ રૂ. ૨૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
દાખલા અને ૭/૧૨ના ઉતારા માટે સરકારી ફી ઉપરાંત વધારાના નાણાં ઉઘરાવતા કમ્પ્યુટર ઓપરેટર સામે કાર્યવાહી : ૨૦૦ રૂપિયાની લાંચની રકમ રીકવર કરાઈ

પાટણ : અહીંના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે આજે બિલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે સફળ ડિકોય છટકું ગોઠવીને ૩૭ વર્ષના વીસીઈ (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ) મેહુલકુમાર અમરતભાઈ પટેલને રૂ. ૨૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે.
એસીબીને આધારભૂત વર્તુળો તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવકના દાખલા, આકારણીપત્રક તેમજ ૭/૧૨ અને ૮-અ જેવા જરૂરી સરકારી દસ્તાવેજોના અસલ ઉતારા કાઢી આપવા માટે અરજદાર નાગરિકો પાસેથી નિયમ મુજબની કાયદેસરની ફી રૂ. ૨૦ ઉપરાંત રૂ. ૫૦થી લઈને રૂ. ૧૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે છે.
આ બાતમીના આધારે પાટણ એસીબી પીઆઈ ડી.આર.ગઢવી દ્વારા એક જાગૃત નાગરિકને ડિકોયર તરીકે સાથે રાખીને આજરોજ તા. ૦૩/૦૮/૨૦૨૬ના રોજ બિલિયા ગ્રામ પંચાયત કચેરી સ્થિત વીસીઈની ઓફિસમાં ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિકોય છટકા દરમિયાન આરોપી મેહુલકુમાર અમરતભાઈ પટેલ (રહે. દરજીવાસ, બિલિયા, તા. સિદ્ધપુર, જી. પાટણ) નામના કમ્પ્યુટર ઓપરેટરે ડિકોયર પાસેથી આકારણી દાખલો તેમજ આવકનો દાખલો કાઢી આપવાના બદલામાં કાયદેસરની ફી સિવાય વધારાના રૂ. ૨૦૦ લાંચ પેટે સ્વીકાર્યા હતા.
લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પૂર્વ ગોઠવાયેલી એસીબીની ટીમે દરોડો પાડીને આરોપી મેહુલકુમાર પટેલને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચના રૂ. ૨૦૦ સફળતાપૂર્વક રીકવર કર્યા હતા.
આ સફળ ડિકોય કામગીરી પાટણ એસીબી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી બોર્ડર એસીબી એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ તેમજ રાજકોટ એકમના ઈન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. એસીબીએ આરોપી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
