<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

પાર્ટીની પોલિસી તમામને લાગુ પડે, ટિકિટ બધાને ન મળી શકે :સાંસદ મનસુખભાઈ વસાવાએ નારાજગીની અફવાને ફગાવી

પોતાની પુત્રી પ્રીતિ વસાવાને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહીં આપતા વસાવા નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી, એ અંગે સાંસદે સ્પષ્ટ ખુલાસો કર્યો

અમદાવાદ :દક્ષિણ ગુજરાતના કદાવર નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની નારાજગીને લઈને ચર્ચામાં હતા. જોકે, હવે તેમણે પોતે જ મેદાને આવીને આ તમામ અટકળોને ફગાવી દીધી છે. પોતાની પુત્રી પ્રીતિ વસાવાને આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા મનસુખભાઈ વસાવા નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી, જેની પર તેમણે સ્પષ્ટ ખુલાસો કર્યો છે.  

મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, "પાર્ટીની એક ચોક્કસ પોલિસી હોય છે અને તે તમામને સમાન રીતે લાગુ પડે છે. ટિકિટ કોઈ એકને જ મળી શકે, દરેક વ્યક્તિને ટિકિટ આપવી શક્ય નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની પુત્રી પ્રીતિ વસાવાએ ચોક્કસપણે તાલુકા પંચાયત માટે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ તેને ટિકિટ આપી નથી. ટિકિટ ન મળવા છતાં તેમની પુત્રી આજે પણ પાર્ટી માટે પ્રચાર કાર્ય કરી રહી છે અને પક્ષ સાથે જોડાયેલી છે.

 

 

સાંસદની દિલ્હી મુલાકાતને લઈને પણ અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. લોકો એવું માની રહ્યા હતા કે તેઓ નારાજગી વ્યક્ત કરવા હાઈકમાન્ડ પાસે ગયા છે. આ બાબતે સ્પષ્ટતા કરતા વસાવાએ કહ્યું કે, "પાર્લામેન્ટ ચાલુ હોવાના કારણે હું ત્રણ દિવસ દિલ્હીમાં હતો, નારાજગીને કારણે નહીં." તેમણે ભાજપ પ્રત્યેની પોતાની વફાદારી દોહરાવતા કહ્યું કે, પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, કેન્દ્રીય મંત્રી પદ પણ આપ્યું હતું. આમ, મનસુખ વસાવાએ પોતાની નારાજગીની વાતોને પાયાવિહોણી ગણાવી છે.

(10:13 PM IST)