<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સમાજના દરેક વર્ગની સહભાગીદારી જરૂરી : ભરૂચ ખાતે મલ્ટીમીડિયા પ્રદર્શનમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાનું આહ્વાન

'સ્વચ્છતા એ જ સેવા' અને 'નશા મુક્ત ભારત' અભિયાન અંતર્ગત સામૂહિક સફાઈ, 'એક પેડ મા કે નામ' હેઠળ વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞાના કાર્યક્રમો યોજાયા

ભરૂચ:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું છે. ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારત@2047’ મલ્ટીમીડિયા પ્રદર્શન અંતર્ગત ‘સ્વચ્છતા એ જ સેવા’ તથા ‘નશા મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયા તેમજ ભરૂચના કલેક્ટર યોગેશ કાપશે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનમાં સ્વયં સહભાગી બની નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મલ્ટીમીડિયા પ્રદર્શનની મુલાકાત લઈ વિવિધ પ્રસ્તુતિઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનભાગીદારી અને સામૂહિક પ્રયાસોથી વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે.

કાર્યક્રમના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ ઉપરાંત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળે ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત નાગરિકોને સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, નશામુક્તિ અને વિકસિત ભારતના નિર્માણ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

(6:11 PM IST)