<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

પાર્થભાઈ ભરવાડ ભારતીય સેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પધારતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

કાર્યક્રમમાં ચુંટાયેલા પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, પરીવારજનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : જાલમપુરા ગામના વતની પાર્થભાઈ ભરવાડ ભારતીય સેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે વતન પધાર્યા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલે અને ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં ચુંટાયેલા પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, પરીવારજનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે આજે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો અવસર છે. જાલમપુરા ગામના એક યુવાને ભારતીય સેનામાં સ્થાન મેળવી માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને વિસ્તારનું નામ રોશન કર્યું છે. ભારતીય સેના માત્ર એક નોકરી નથી, પરંતુ દેશસેવાનું સર્વોચ્ચ માધ્યમ છે. જ્યારે દેશના લાખો યુવાનોમાંથી કોઈ એક યુવાન ભારતીય સેનામાં પસંદગી પામે છે, ત્યારે તે તેની મહેનત, શિસ્ત, સમર્પણ અને દેશપ્રેમનું જીવંત ઉદાહરણ બની જાય છે. આ યુવાને કઠોર પરિશ્રમ, આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પના બળે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમના માતા-પિતા અને પરિવારજનો પણ અભિનંદનના અધિકારી છે, જેમણે સંસ્કાર અને પ્રેરણા આપી દેશભક્તિનો માર્ગ બતાવ્યો છે. આજે જ્યારે સમગ્ર ગામ તેમના સન્માન માટે એકત્રિત થયું છે, ત્યારે આ સન્માન માત્ર એક વ્યક્તિનું નથી, પરંતુ દેશ માટે જીવવાની અને જરૂર પડે તો દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવનાનું સન્માન છે.

(7:04 PM IST)