<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

મેઘરાજાને મનાવવા માટે મેઘરજમાં પર્જન્ય યજ્ઞ: વરસાદ ખેંચાતા સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ખાસ આયોજન

મેઘરજના વેપારીઓ તથા સ્થાનિક નાગરિકો દ્વારા ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે 'નવચંડી યજ્ઞ' અને 'પર્જન્ય યજ્ઞ' કરાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો અને નગરજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાકને બચાવવા અને સારા વરસાદની કામના સાથે મેઘરજના વેપારીઓ તથા સ્થાનિક નાગરિકો દ્વારા ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે 'નવચંડી યજ્ઞ' અને 'પર્જન્ય યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

મેઘરજના જૂના બજાર વિસ્તારમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી અને નગરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. હવન કરનાર શાસ્ત્રી ઉપેન્દ્રકુમાર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય લોકકલ્યાણ અને મેઘરાજાની વહેલી કૃપા પ્રાપ્ત કરવાનો છે. યજ્ઞના અગ્નિમાં પવિત્ર આહુતિઓ આપીને મેઘરાજાને પધારવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

 

ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. ખેતરોમાં પાણીની જરૂરિયાત ઊભી થતા, પાકને બચાવવા માટે ખેડૂતો આતુરતાપૂર્વક મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં નગરના વેપારીઓએ પણ એકજૂથ થઈને શ્રદ્ધાપૂર્વક આ યજ્ઞનું આયોજન કર્યું છે, જેથી સમસ્ત માનવજાત અને જીવસૃષ્ટિ પર રહેલી આ સંકટની ઘડી ટળી શકે. આ ભક્તિભાવપૂર્ણ માહોલમાં શ્રદ્ધાળુઓ એક જ સૂર સાથે મેઘરાજાને વહેલી તકે મહેરબાન થવા વિનંતી કરી રહ્યા છે.

(5:27 PM IST)