<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

અમદાવાદમાં ચાંદખેડા ખીરું કેસમાં માતા-પિતાનું નિવેદન બદલાયું : FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : ખીરું ખાવાથી બાળકીના મોતના ચકચારી કેસમાં મોટો વળાંક

ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે તપાસનો વળાંક: FSL રિપોર્ટમાં ઢોસાના ખીરામાં ઝેરી તત્વ ન મળ્યું, માતા-પિતાએ પહેલાનું નિવેદન ફેરવ્યું; પોલીસ તપાસ વધુ તેજ

અમદાવાદ, તા.૧૮:અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાના ખીરું ખાવાથી બાળકીના મોતના ચકચારી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં મૃતક બાળકીના માતા-પિતાએ પોતાનું અગાઉનું નિવેદન બદલી નાખ્યું છે, જ્યારે FSL રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલા ચાંદખેડામાં રહેતા પરિવારની બાળકીનું ઢોસાનું ખીરું ખાધા બાદ મોત થયું હતું. શરૂઆતમાં માતા-પિતાએ ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરી હતી અને સ્થાનિક દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને આરોગ્ય વિભાગે પણ તપાસ હાથ ધરી હતી.

 

જોકે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક બાળકીના માતા-પિતાએ પોતાનું નિવેદન બદલ્યું છે. સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના રિપોર્ટમાં ઢોસાના ખીરાના સેમ્પલમાં કોઈપણ પ્રકારનું ઝેરી તત્વ કે હાનિકારક પદાર્થ મળી આવ્યો નથી.

 

FSL રિપોર્ટ નેગેટિવ આવતા અને માતા-પિતાનું નિવેદન બદલાતા પોલીસે હવે અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. બાળકીના મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ તેજ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તબીબી પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસમાં થયેલા નવા ખુલાસાને પગલે અનેક સવાલો ઉભા થયા છે.

(4:08 PM IST)