<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વાલીઓ ચેતજો :સુરતના કિમ વિસ્તારમાં ગરબા સંચાલક એક સગીરાને ભગાડી ગયો લગ્ન કરવા માટે કાવતરું રચ્યું

પોલીસે પાંચ મહિના બાદ મુખ્ય આરોપી દેવેશ અને તેના સાથી સંજીતકુમારને ઝડપી પાડ્યા: બંનેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરત જિલ્લાના કીમ વિસ્તારમાંથી સગીરાને ભગાડી લઈ જવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે.

 

પોલીસના જણાવ્યા મુજબ, પાંચ મહિના પહેલા કીમમાં ગરબા ક્લાસમાં જતી એક સગીરાને ક્લાસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડેએ પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ યુવતી સગીર હોવાથી તેણે તેને પુખ્ત વયની દર્શાવવા માટે કાવતરું રચ્યું હતું.

આરોપીએ પોતાના મિત્ર સંજીતકુમાર યાદવની મદદથી સગીરાનો ખોટો જન્મનો દાખલો તૈયાર કરાવ્યો અને તે આધારે લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું.

 

ઘટનાની જાણ થતાં સગીરાના વાલીઓએ કીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે બાતમીના આધારે પાંચ મહિના બાદ મુખ્ય આરોપી દેવેશ અને તેના સાથી સંજીતકુમારને ઝડપી પાડ્યા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આ કેસ બાદ સુરત જિલ્લા પોલીસે વાલીઓને અપીલ કરી છે કે બાળકોને જીમ, ગરબા કે અન્ય ક્લાસમાં મોકલતા પહેલાં સંચાલકનું બેકગ્રાઉન્ડ અને વિશ્વસનીયતા અંગે પૂરતી ખાતરી કરવી જોઈએ. સાથે જ યુવતીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

(8:26 PM IST)