<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

નડિયાદની વેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ICUમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી

ફાયર બ્રિગેડે કાચ તોડીને દર્દીઓને બચાવ્યા અને આગ પર કાબૂ મેળવ્યો.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી પ્રતિષ્ઠિત 'વેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ'ના આઈસીયુ (ICU) વિભાગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગના કારણે હોસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

દુર્ઘટના દરમિયાન સૌથી ગંભીર બાબત એ સામે આવી કે હોસ્પિટલમાં લગાવવામાં આવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ કટોકટીના સમયે કાર્યરત જ ન થઈ શકી. આગ લાગવા છતાં સેફ્ટી સિસ્ટમ નિષ્ફળ રહેતા હોસ્પિટલ તંત્રના મોટા-મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે અને દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

આગની ઘટના અંગે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટરોની ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હોસ્પિટલની અંદર ધુમાડાના ગોટેગોટા ભરાઈ ગયા હોવાથી ફાયરના જવાનોએ ભારે બહાદુરી બતાવી વેન્ટિલેશનના કાચ તોડી નાખ્યા હતા અને અંદર પ્રવેશ કર્યો હતો.

જવાનોએ આઈસીયુમાં દાખલ તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી અન્યત્ર ખસેડ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. નડિયાદ ફાયર બ્રિગેડની ત્વરિત અને સમયસરની કાર્યવાહીના કારણે એક બહુ મોટી જાનહાનિ અને ગમખ્વાર દુર્ઘટના ટળી ગઈ છે. હાલ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(9:52 PM IST)