News of Sunday, 19th July 2026
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગ્રાહક બની આવેલ ગઠિયો દુકાનદારની નજર ચૂકવી iPhoneની ચોરી કરીને પલાયન
સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ

સુરત :શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મોબાઈલ ખરીદવાના બહાને આવેલા એક ગઠિયાએ દુકાનદારની નજર ચૂકવીને કિંમતી iPhoneની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી
મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં આ ઘટના બની હતી. એક અજાણ્યો શખ્સ દુકાન પર મોબાઈલ લેવાના બહાને ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે દુકાનદાર પાસે iPhone જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દુકાનદારે વિશ્વાસ રાખીને તેને iPhone બતાવ્યો હતો. જેવો iPhone તેના હાથમાં આવ્યો, તરત જ ગઠિયો તકની રાહ જોઈને દુકાનમાંથી રફુચક્કર થઈ ગયો હતો.
આ ઘટના બાદ દુકાનદાર દ્વારા તાત્કાલિક CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં ગઠિયાની કરતૂત કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ શખ્સ શાંતિથી દુકાનમાં પ્રવેશ કરે છે અને બાદમાં ચોરીને અંજામ આપીને ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો હવે પોલીસ તપાસ માટે મુખ્ય પુરાવો બની રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે. સુરત શહેરમાં ગ્રાહક બનીને આવતા ગઠિયાઓ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની ચોરીની ઘટનાઓએ સ્થાનિક વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
