<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

અમદાવાદ, વડોદરા અને સુરતમાં અગ્રણી બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ

ધમકીભર્યા મેઈલ મળતાં જ ગ્રાહકો અને કર્મચારીઓને બહાર કાઢી બેંક પરિસરો ખાલી કરાવાયા:સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે ત્રણેય શહેરોમાં સઘન તપાસ હાથ ધરી

અમદાવાદ :રાજ્યના 3 પ્રમુખ આર્થિક કેન્દ્રો અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળતાં રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા સ્ત્રોત તરફથી આવેલા ધમકીભર્યા ઈમેલ બાદ ત્રણેય શહેરોમાં બેન્કિંગ કામગીરી અટકી પડી હતી અને સ્ટાફ તેમજ ગ્રાહકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદના અતિ વ્યસ્ત એવા લાલદરવાજા ભદ્ર કાળી મંદિર પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીની જાણ થતાં જ મેનેજમેન્ટે તાત્કાલિક તમામ નાણાકીય વ્યવહારો અટકાવી દીધા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડી આવ્યા હતા અને મલ્ટી-લેવલ બિલ્ડિંગમાં ખૂણે-ખૂણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

બીજી તરફ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા જાણીતા વાણિજ્યિક સંકુલ સૂરજ પ્લાઝા સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખાને પણ નિશાન બનાવવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ સયાજીગંજ પોલીસે સૂરજ પ્લાઝા અને આસપાસનો સમગ્ર માર્કેટ વિસ્તાર કોર્ડન કરીને ખાલી કરાવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર્સની મદદથી લોકર રૂમ, સર્વર રૂમ અને પાર્કિંગ લોટમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

ડાયમંડ સિટી સુરતમાં પણ બેંક ઓફ બરોડાની મુખ્ય શાખાને આ જ પ્રકારે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેઈલ મળ્યો હતો. મેઈલ વાંચતાં જ બેંક મેનેજમેન્ટમાં હડકંપ મચી ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ તેમજ સ્નિફર ડોગ સ્ક્વોડની ટિમો  ઘટનાસ્થળે પહોંચી સમગ્ર બેંક પરિસરને ખાલી કરાવીને પ્રત્યેક કેબિન અને બેગ્સનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું.

 છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વિવિધ સંવેદનશીલ જાહેર સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ નામાંકિત શાળાઓ જિલ્લા ન્યાયાલયો તેમજ સેન્ટ્રલ જેલોને ધમકી મળ્યા બાદ હવે બેંકોને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીર બની છે. આ માત્ર ભય ફેલાવવાનું કોઈ ષડયંત્ર છે કે વાસ્તવિક જોખમ, તેની દિશામાં રાજ્યની સાયબર ક્રાઈમ સેલ સક્રિય બની છે. ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા આઈપી એડ્રેસ (IP Address) અને ડિજિટલ નેટવર્કને ટ્રેસ કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

(3:48 PM IST)