<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

પંચમહાલ શિક્ષણ વિભાગનું ૨.૭૮ કરોડનું મોટું કૌભાંડ: ગોધરા સેશન્સ કોર્ટે ૪ મુખ્ય આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા, DPEO ગાયત્રી પટેલની સંડોવણીથી ખળભળાટ

સરકારી શાળાઓ માટે સાધનો ખરીદવાના નામે બનાવટી બિલ બનાવી સરકારી તિજોરી લૂંટી: તપાસમાં શિક્ષણ અધિકારીનું નામ ખુલતા તંત્રમાં મોટો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો

ગોધરા (પંચમહાલ) : પંચમહાલ જિલ્લાના અતિ ચર્ચિત 'સમગ્ર શિક્ષા' જિલ્લા પ્રોજેક્ટ કચેરીમાં થયેલા પોણા ત્રણ કરોડ રૂપિયાના મસમોટા નાણાકીય ગોટાળા કેસમાં ગોધરાની એડિશનલ સેશન્સ કોર્ટે આકરો વલણ અપનાવ્યું છે. ૨.૭૮ કરોડ રૂપિયાની ભારે ઉચાપતમાં સંડોવાયેલા ૪ મુખ્ય આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જામીન રદ કરાયેલા આરોપીઓમાં વૈદિક એન્ટરપ્રાઇઝના માલિક કાજલબેન વિજયભાઈ, શ્રીરામ એન્ટરપ્રાઇઝના માલિક મહેશ મૂળશંકર ભટ્ટ, પ્રશાંત મહેશભાઈ ભટ્ટ અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સના માલિક સ્વાતિ પ્રશાંત ભટ્ટનો સમાવેશ થાય છે.

 

પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાઓ માટે ભૌતિક સાધનો અને સામગ્રીની ખરીદી કરવાના નામે કોઈ પણ કાયદેસરની પ્રક્રિયા વગર જ બનાવટી બિલો તૈયાર કરી દેવામાં આવ્યા હતા. આ બનાવટી બિલોનો સાચા તરીકે ઉપયોગ કરીને જે.એસ. કોમ્પ્યુટર (ગોધરા), શ્રીરામ એન્ટરપ્રાઇઝ (રાજકોટ), વૈદિક એન્ટરપ્રાઇઝ (રાજકોટ) અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ (રાજકોટ) જેવી ખાનગી એજન્સીઓના બેંક ખાતામાં કરોડો રૂપિયાની સરકારી રકમ ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

 

તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે કરોડો રૂપિયાની રકમ મેળવનાર એજન્સીઓ દ્વારા શાળાઓને વાસ્તવમાં કોઈ સાધન-સામગ્રી પૂરી જ પાડવામાં આવી નહોતી. કુલ રૂ. ૨,૭૮,૫૭,૨૧૮ ના આ વિરાટ કૌભાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ગાયત્રીબેન પટેલનું નામ પણ સંડોવણી તરીકે ખુલ્લા પડી જતાં શિક્ષણ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઉચાપત અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ કરાતાં હવે આરોપીઓ સામે ધરપકડની તલવાર લટકી રહી છે.

(7:51 PM IST)