તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 16th April 2026
ચૂંટણી ટાણે પંચમહાલ કોંગ્રેસમાં ભંગાણ : સંગઠન રગદોળાયું : પ્રમુખ ચેતનસિંહ પરમાર સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં ભળ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેસ પહેરાવી વધાવ્યા : ઉમેદવારોની પસંદગીના ટાણે જ મુખ્ય સેનાપતિએ સાથ છોડતા પંચમહાલમાં કોંગ્રેસનો ગઢ ધરાશાયી

ગોધરા: પંચમહાલ જિલ્લાના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના સુકાની ચેતનસિંહ પરમારે ચૂંટણીના ભરટાણે જ હાથનો સાથ છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. ઘોઘંબા ખાતે યોજાયેલા ભવ્ય શક્તિ પ્રદર્શનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પક્ષપલટાએ પંચમહાલના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.
ચૂંટણીના આરે સંગઠન વેરવિખેર:
ચેતનસિંહ પરમારની સાથે કોંગ્રેસના પાયાના સેંકડો કાર્યકરો અને ટેકેદારોએ પણ ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસનું સંગઠન માળખું વેરવિખેર થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક નેતાઓના ફોન બંધ આવતા હોવાથી જે અટકળો ચાલી રહી હતી, તેનો આજે અંત આવ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, જ્યારે જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચરમસીમાએ છે, ત્યારે જ પ્રમુખનો વિદાય લેવી એ કોંગ્રેસ માટે ‘મુખ્ય સેનાપતિ વગરની સેના’ જેવી સ્થિતિ સર્જી છે.
ગોધરા નગરપાલિકામાં કોંગ્રેસની કથળતી સ્થિતિ:
પક્ષપલટાની સીધી અસર ચૂંટણી મેદાનમાં પણ દેખાઈ રહી છે. ગોધરા નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર જ્યાં ભાજપ મજબૂતીથી લડી રહ્યું છે, ત્યાં કોંગ્રેસ માત્ર ૭ ઉમેદવારો માંડ શોધી શકી છે. આ આંકડા જ પક્ષની કથળતી હાલતની સાક્ષી પૂરે છે. બીજી તરફ, ભાજપ આ તકનો ઉપયોગ કરી વિરોધ પક્ષના મનોબળને તોડવામાં સફળ રહ્યું છે.
ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયેલા આ જોડાણથી ભાજપની રણનીતિ વધુ ધારદાર બની છે. ચેતનસિંહ પરમારના ભાજપમાં આવવાથી આગામી દિવસોમાં વોટિંગ પેટર્ન પર મોટી અસર થવાની શક્યતા છે. એક બાજુ ભાજપ પંચમહાલમાં એકહથ્થુ શાસન તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસ માટે હવે પોતાની જમીન બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. પંચમહાલના આ રાજકીય ભૂકંપે ચૂંટણી પરિણામો પહેલા જ મોટા સંકેતો આપી દીધા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
