તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
પાલિતાણાની કૈલાસ ટેકરી પર પૂ. મોરારિબાપુની રામકથાનો ગુંજારવ : રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા હોવાનો મહિમા વર્ણવાયો
લાલગીરીબાપુના સાનિધ્યમાં ‘માનસ શિવ સંકલ્પ’ રામકથાનો ભક્તિમય પ્રારંભ : અથર્વ ઋષિની રુચાઓ અને વિવિધ ગંધ-સુગંધના નિરૂપણ સાથે રાષ્ટ્ર અને યુવા જાગૃતિનો સંદેશ પાઠવતા વ્યાસપીઠ પરથી પૂ. બાપુ

ઈશ્વરિયા:પાલિતાણા પાસે આવેલી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ લાલગીરીબાપુના સંકલ્પ અને સાનિધ્યમાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ શિવ સંકલ્પ'નો ગત શનિવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ગોહિલવાડની આ પવિત્ર ધરા પર રામકથાના બીજા દિવસે પૂ. મોરારિબાપુએ પ્રભુ રામના દિવ્ય ગુણોનું ગાન કરતા જણાવ્યું હતું કે, રામમાં પ્રભાવ એ સત્ય છે, તેમનો સ્વભાવ એ પ્રેમ છે અને તેમનો પ્રવાહ એ કરુણા છે.
હરિ ઈચ્છા ભાવિ બલવાના...ના કેન્દ્ર સ્થાને કથાગાન:
રામચરિત માનસની ચોપાઈ ‘હરિ ઈચ્છા ભાવિ બલવાના...’ ને કેન્દ્રમાં રાખીને કથાનું ગાન કરવામાં આવી રહ્યું છે. વ્યાસપીઠ પરથી શિવ સંકલ્પનો અર્થ સમજાવતા પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે શિવ સંકલ્પ એટલે શિવજીનો સંકલ્પ અને જગતના કલ્યાણનો સંકલ્પ. કથાના બીજા દિવસે તેમણે અથર્વ ઋષિની રુચાઓનું ગાન કરાવીને તેનો ગૂઢ અર્થ શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ગુરુકૃપાથી શ્લોકને લોક સુધી પહોંચાડવાનો તેઓ નિરંતર પ્રયાસ કરી રહ્યા છે.
વિવિધ ગંધ અને સુગંધનો મહિમા:
કથા દરમિયાન ‘યસ્તે ગંધ:....’ શ્લોકનું ગાન કરાવીને પૂ. મોરારિબાપુએ સૃષ્ટિમાં રહેલી વિવિધ ગંધ અને તેના મહિમાનું વર્ણન કર્યું હતું. તેમણે પુરુષ, માતૃશરીર, પશુ, ઐશ્વર્ય, સ્વભાવ, અશ્વ, વીર, હરણની નાભિ, હાથી અને કન્યામાં રહેલી વિશેષ ગંધ સંદર્ભે રસપ્રદ નિરૂપણ કર્યું હતું. આ સાથે જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
રાષ્ટ્ર અને યુવા જાગૃતિનો ઉમદા હેતુ:
કથાના પ્રસંગ પ્રવાહને આગળ વધારતા પૂ. મોરારિબાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રામકથાનો મુખ્ય હેતુ રાષ્ટ્ર જાગે અને દેશનો યુવાન જાગૃત બને તેવો છે. સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ તેમણે વ્યાસપીઠ પરથી વહેતો કર્યો હતો.
ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું
કૈલાસ ટેકરી ખાતે યોજાઈ રહેલી આ કથામાં ગોહિલવાડ પંથક સહિત દૂર-દૂરથી વિવિધ ધાર્મિક અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાલગીરીબાપુના આશીર્વાદ અને મોરારિબાપુની અમૃતવાણીનો લાભ લેવા માટે ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર સગાપરા ધાર ક્ષેત્ર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થયું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
