તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 16th April 2026
પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ અને ખાનગી વ્યક્તિ સાજીદઅલી સૈયદ લાંચ લેતા ઝડપાયા : ૬ લાખની માંગણી અને ૨ લાખમાં પતાવટ : લવ જેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા ૨ લાખ લેતા એસીબીની જાળમાં ફસાયા: જુઓ વિડીયો
મદદનીશ નિયામક બી એસ પટેલ અને નાયબ નિયામક બળદેવ દેસાઇના સુપરવિઝનમાં પીઆઈ એ એન પ્રજાપતિની ટીમે અક્ષર ચોક ખાતે છટકું ગોઠવી વડોદરાના રજવાડી ટી-સ્ટોલ પાસે આરોપીઓને રંગેહાથ પકડ્યા

રાજકોટ:ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) વડોદરા દ્વારા લાંચિયા સરકારી બાબુઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ અને એક ખાનગી વ્યક્તિ સાજીદઅલી ગુલામરસુલ સૈયદ દ્વારા કરવામાં આવેલી ૨,૦૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણીના કિસ્સામાં એસીબીએ સફળ ટ્રેપ કરી છે.
ઘટનાની વિગતવાર માહિતી:
આ કેસની વિગત મુજબ, ફરીયાદી અને સાહેદનો ગત તારીખ ૦૯/૦૪/૨૦૨૬ના રોજ ઝઘડો થયો હતો, જેના અનુસંધાને પાદરા પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણે આ બાબતે અટકાયતી પગલાં ભરી ફરીયાદીને જણાવ્યું હતું કે આ કેસમાં 'લવ જેહાદ'નો ગુનો બને છે. જો આ કાયદેસરની કાર્યવાહીથી બચવું હોય તો ખાનગી વ્યક્તિ સાજીદઅલી સૈયદને મળી લેવા સૂચના આપી હતી.
૬ લાખની માંગણી અને ૨ લાખમાં પતાવટ:
વી એ ચારણના કહેવાથી સાજીદઅલી સૈયદે શરૂઆતમાં ફરીયાદી પાસે ૬,૦૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરીયાદી પાસે આટલી મોટી રકમ ન હોવાથી અંતે રકઝકને અંતે ૨,૦૦,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ રકમ આપવા માટે સાજીદઅલી વારંવાર ફોન કરીને દબાણ કરતો હતો. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
અક્ષર ચોક ખાતે સફળ ટ્રેપ:
ફરીયાદના આધારે એસીબીએ તારીખ ૧૬/૦૪/૨૦૨૬ના રોજ બપોરે ૧૫:૫૦ વાગ્યે વડોદરાના અક્ષર ચોક ખાતે આવેલા રજવાડી ટી-સ્ટોલની સામે બાંકડા ઉપર છટકું ગોઠવ્યું હતું. સરકારી પંચોની હાજરીમાં સાજીદઅલી સૈયદે ફરીયાદી પાસેથી લાંચની ૨,૦૦,૦૦૦ રૂપિયાની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકાર્યા બાદ તેણે પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ સાથે નાણાં આવી ગયા હોવાની હેતુલક્ષી વાતચીત પણ કરી હતી.
એસીબીની કાર્યવાહી:
એસીબીની ટીમે સ્થળ પર જ સાજીદઅલી સૈયદને રંગેહાથ ઝડપી પાડી ૨,૦૦,૦૦૦ રૂપિયાની રકમ જપ્ત કરી છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ હાલ હાજર મળી આવ્યા નથી, પરંતુ તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ ટ્રેપની કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન પ્રજાપતિ અને એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક બી એસ પટેલ અને નાયબ નિયામક (આઈપીએસ) બળદેવ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
