તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 24th April 2026
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પરેશ રાઠવાનું સન્માન:પીઠોરા કલા દ્વારા આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવાજ્યા
રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ 'રેસીડેન્સી કલા વર્કશોપ'માં તેમની ઉત્કૃષ્ટ કલા બદલ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માનિત કરાયા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પ્રખ્યાત પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિનું માન વધાર્યું છે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ 'રેસીડેન્સી કલા વર્કશોપ'માં તેમની ઉત્કૃષ્ટ કલા બદલ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનમાં ગત 14 થી 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ ખાસ વર્કશોપમાં સમગ્ર દેશમાંથી માત્ર 13 પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતમાંથી બે કલાકારોમાં પરેશ રાઠવાનો સમાવેશ થયો હતો. 10 દિવસીય આ વર્કશોપમાં તેમણે આદિવાસી પીઠોરા સંસ્કૃતિની ભવ્યતા દર્શાવતું અદભૂત ચિત્ર તૈયાર કર્યું હતું, જે રાષ્ટ્રપતિ ભવનની શોભા વધારશે.
આજે આયોજિત ભવ્ય સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિએ પરેશ રાઠવાને સ્મૃતિ ચિન્હ આપી નવાજ્યા હતા. રાષ્ટ્રપતિએ પોતે તમામ કલાકારોની કૃતિઓનું નિરીક્ષણ કરી પ્રશંસા કરી હતી. પરેશ રાઠવાની આ સિદ્ધિથી આદિવાસી લોકકલા અને ખાસ કરીને પીઠોરા ચિત્રકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ પ્રાપ્ત થઈ છે.
કવાંટ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી નીકળીને રાષ્ટ્રપતિ ભવન સુધી પોતાની કલા પહોંચાડનાર પરેશ રાઠવાની આ સિદ્ધિ બદલ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને કલા જગતમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ સન્માન માત્ર પરેશ રાઠવા માટે જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતની સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
