તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
ભિલોડામાં કાળ બનીને આવેલી કારે લીધો બે યુવાનોનો જીવ: હિટ એન્ડ રનની ઘટનાથી ભારે આક્રોશ
પૂરપાટ ઝડપે દોડતી કારે બાઈકને ટક્કર મારતા બાઈક રિક્ષામાં ઘૂસી, અકસ્માત સર્જીને કારચાલક થયો ફરાર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

ભિલોડા : અરવલ્લીના ભિલોડામાં મણીબા પેટ્રોલ પંપ સામે સર્જાયેલા ગમખ્વાર ટ્રિપલ અકસ્માતમાં ૧૮ વર્ષીય બાદલભાઈ અસારી અને ૨૦ વર્ષીય રાજકુમાર બાગા નામના બે યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. એક અજાણ્યા સફેદ વાહનની જોરદાર ટક્કરને કારણે યુવાનોનું બાઈક સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.
પૂરપાટ ઝડપે આવી રહેલા સફેદ કલરના અજાણ્યા વાહને બાઈકને એવી જોરદાર ટક્કર મારી હતી કે બાઈક સીધી સામેથી આવી રહેલી એક રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ ૧૮ વર્ષીય બાદલભાઈ અસારી અને ૨૦ વર્ષીય રાજકુમાર બાગા તરીકે થઈ છે, જેમના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કારચાલક માનવતા નેવે મૂકીને પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે નાસી ગયેલા કારચાલકની શોધખોળ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં કારની નંબર પ્લેટની વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ વાહન અને તેના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
