News of Sunday, 3rd May 2026
અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડઃ મોટાભાગના ટુ વ્હીલર ચાલક
કાર્યવાહીમાં સૌથી વધુ ૧૮ થી ૩પ વર્ષના લોકો સામેલઃ ૮પ ટકા પુરુષો અને ૧પ ટકા મહિલાઓ દંડાયાઃ ભારે વાહનો સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ઉઠતી ફરીયાદ

અમદાવાદઃ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.
અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત જાહેર કરવામાં આવી છે.
જેમાં શહેરમાં લાયસન્સ સસ્પેન્ડ થવા પાછળ મુખ્યત્વે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જવાબદાર છે. આ ઉપરાંત મુખ્યત્વે સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો, અકસ્માત સર્જવો વગેરે કેસોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા કેસોમાં 3 થી 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થાય છે, પરંતુ ગંભીર ગુનામાં એક વર્ષ કે કાયમી ધોરણે પણ લાયસન્સ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇસ્કોન બ્રિજ પરના તથ્ય કાંડ જેવા કિસ્સાઓમાં લાયસન્સ કાયમી રદ કરાયા છે.
આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર કાયદાનો ગાળિયો મજબૂત છે, ત્યારે ભારે વાહનો (ટ્રક, ડમ્પર, બસ) સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
જો તમે ગોવા કે ઉદયપુર ફરવા જાવ છો અને ત્યાં નિયમ તોડો છો, તો પણ તમારું લાયસન્સ અમદાવાદમાં રદ થઈ શકે છે. ગોવામાં હેલ્મેટના કડક નિયમો અને ઉદયપુરમાં ઓવરસ્પીડના કારણે દર મહિને 15 થી 20 ગુજરાતી ચાલકો સામે ફરિયાદ આવે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીના જણાવ્યા મુજબ, પોલીસના ડેટા આધારે ચાલકોને નોટિસ પાઠવવામાં આવે છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને સ્પીડ મીટર દ્વારા સતત સર્વેલન્સ હોવાથી, પોલીસ હાજર ન હોય તો પણ નિયમ તોડવો જોખમી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
