News of Saturday, 11th July 2026
નવસારીમાં હાહાકાર: વિજલપોરમાં 50 વર્ષ જૂનું 'અમરદીપ એપાર્ટમેન્ટ' અચાનક બેસી ગયું, 24 પરિવારોના જીવ તાળવે ચોંટ્યા
મનપાની નોટિસો કાગળ પર જ રહી અને આખરે ઈમારત નમી પડી: રહીશોએ જીવના જોખમે મધરાતે કિંમતી સામાન ખાલી કરવો પડ્યો

નવસારી : નવસારીના વિજલપોર વિસ્તારમાં આજે મોડી રાત્રે એક અત્યંત ડરામણી અને ગંભીર ઘટના સામે આવી છે. અહીં આવેલું આશરે 50 વર્ષ જૂનું 'અમરદીપ એપાર્ટમેન્ટ' અચાનક જમીનમાં ધસી પડ્યું એટલે કે બેસી ગયું હતું. ઈમારત એકતરફ નમી પડતાં જ આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. જમીન ધ્રૂજી ઉઠવાની સાથે જ વર્ષો જૂની આ જર્જરિત ઈમારતમાં રહેતા પરિવારોના સપનાઓ પણ એક ઝાટકે નમી પડ્યા હતા.
જીવના જોખમે સામાન ખસેડવા મજબૂર થયા રહીશો
આ બિલ્ડિંગમાં કુલ 24 ફ્લેટ આવેલા છે, જેમાં વર્ષોથી પરિવારો વસવાટ કરી રહ્યા છે. ઈમારત અચાનક નમી પડી હોવાની જાણ થતાં જ રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. વહીવટી તંત્ર સફાળું જાગે તે પહેલાં જ, સ્થાનિક લોકોએ પોતાના અને પોતાના પરિવારના જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર દોડી આવવું પડ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રહીશોએ ભારે હૈયે અને જીવના જોખમે પોતાનો કિંમતી માલસામાન તથા ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
તંત્રની બેદરકારી આવી સામે
આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે. આ 50 વર્ષ જૂની ઈમારત અત્યંત જર્જરિત થઈ ચૂકી હોવા છતાં, મનપા દ્વારા આપવામાં આવેલી નોટિસો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હતી. સમયસર કોઈ નક્કર પગલાં ન લેવાવાને કારણે આજે 24 પરિવારોએ ઘરવિહોણા થવાનો વારો આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના અન્ય જર્જરિત મકાનો માટે આ એક મોટી ચેતવણી સમાન કિસ્સો છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
