તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાજય બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો : દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ નેતૃત્વને આડેહાથ લઈ તમામ ટોચના હોદ્દેદારોના રાજીનામા માંગ્યા
સોશિયલ મીડિયા પર વિસ્ફોટક પોસ્ટ દ્વારા હાર માટે નેતાગીરીને જવાબદાર ઠેરવી : 'બકરા શોધવાની ઝુંબેશ' અને 'મિશન 2027ના અંતનો આરંભ' જેવા આકરા પ્રહારોથી રાજકીય ગરમાવો

વલસાડ: ગુજરાતમાં કોંગ્રેસના શાસનના સપનાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ મોટો ફટકો મારતા જ પક્ષમાં ભડકો થયો છે. વલસાડના દિગ્ગજ નેતા અને એઆઈસીસી (AICC) સભ્ય ગૌરવ પંડ્યાએ પ્રદેશ નેતૃત્વ સામે સીધું જ યુદ્ધ છેડી દીધું છે. સોશિયલ મીડિયા પર એક અત્યંત આક્રમક પોસ્ટ શેર કરીને તેમણે હારની કડવી હકીકત રજૂ કરી છે અને પ્રદેશના તમામ ટોચના નેતાઓ પાસે રાજીનામાની માંગ કરી છે, જેના કારણે ગાંધીનગરથી દિલ્હી સુધીના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
ગૌરવ પંડ્યાએ પોતાની પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું છે કે, ગુજરાત કોંગ્રેસમાં આજથી 'બકરા શોધો ઝુંબેશ' શરૂ થઈ છે અને આ ૨૦૨૭ના અંતની શરૂઆત છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જે નેતાઓએ પક્ષને નામોશી અપાવી છે, તેઓ જ હવે બેશરમીપૂર્વક હોદ્દા પર ચીપકી રહીને હારના ખોટા કારણો શોધશે. રાહુલ ગાંધીના 'મિશન ૨૦૨૭'ના વિઝનને ટાંકીને તેમણે જણાવ્યું કે વર્તમાન નેતાગીરીની નિષ્ફળતાને લીધે સંગઠન પાયાના સ્તરે ખોખલું થઈ ગયું છે.
વલસાડના આ નેતાના મતે, પ્રદેશના પદાધિકારીઓ જમીની વાસ્તવિકતાથી કપાયેલા છે અને માત્ર પોતાના હોદ્દા બચાવવામાં મશગૂલ છે. જો સંગઠન માળખામાં તાત્કાલિક ધરમૂળથી ફેરફાર નહીં કરવામાં આવે, તો ૨૦૨૭માં ભાજપનો સામનો કરવો અશક્ય બની જશે. પંડ્યાના આ બળવાખોર તેવર બાદ હવે પક્ષના અન્ય નેતાઓનું વલણ શું રહે છે અને હાઈકમાન્ડ આ આંતરિક કલહને ડામવા માટે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
