News of Wednesday, 10th June 2026
ઉદ્યોગ, આઈટી, ટુરિઝમ સહિત અન્ય નીતિઓને નવો ઓપ અપાશે
ચાલુ વર્ષના અંત સુધીમાં નવી નીતિઓ જાહેર થઇ શકે છે : નીતિઓને રિન્યુ કરવા માટે સચિવાલયમાં બેઠકોનો દોર શરૂ, સ્પષ્ટ પોલિસી વિના રોકાણ જોખમી હોવાથી ઉદ્યોગકારો ખફા

અમદાવાદ,તા.૧૦: આગામી વર્ષના શરૂઆતના તબક્કામાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વહીવટી અને નીતિવિષયક પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં વૈશ્વિક મૂડીરોકાણને આકર્ષવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે જે ઉદ્યોગ, આઇટી, ટુરિઝમ સહિત અન્ય મહત્વની નીતિઓ આઈટડેટેડ બની છે જેને હવે નવો ઓપ આપવા સચિવાલયમાં ધમધમાટ શરૂ કરાયો છે.
ગુજરાતમાં વર્ષ ર૦ર૦માં ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી હતી. ૭ઓગસ્ટ ૨૦૨૦ થી ૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના પાંચ વર્ષના સમયગાળા ઉદ્યોગ નીતિ અમલમાં હતી. ઓગસ્ટ ૨૦૨૫ મા ઉદ્યોગ નીતિની મુદત પૂર્ણ થઈ ગઈ છે હવે ઉદ્યોગકારો લાંબા સમયથી નવી નીતિની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે લાંબા સમયથી અટકેલી અને અસ્પષ્ટ પોલિસીઓના કારણે નવું રોકાણ અટકી પડે છે. સ્પષ્ટ નીતિ વિના કરોડો રૂપિયાનું રોકાણ કરવું . ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.વારંવાર રજૂઆત પછી પણ સરકાર દ્વારા હજુ સુધી કોઈ નવી નીતિ મુદ્દે સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી.
હવે રહી રહીને સરકાર એકશન મોડમાં આવી છે. અત્યારે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હાલમાં નવી ઉદ્યોગ નીતિ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું જાણવા મળ્યુ છે જેનો મુખ્ય હેતુ વધુ રોકાણ આકર્ષવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. સરકાર ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ રજૂ કરે તેવી શક્યતા છે જે ૨૦૩૦ સુધીના લક્ષાંકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં'' આવી રહી છે.
આ ઉપરાંત ખેતી આધારિત ઉદ્યોગો અને ફૂડ પ્રોસેસિગને વેગ આપવા એગ્રો-બિઝનેસ નીતિ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્રોલોજી સેક્ટરને મજબૂત કરવાને હેતુસર ડેટા સેન્ટર અને આઈટી પોલિસીને નવો ઓપ આપવા તૈયારી કરાઈ રહી છે. આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે રોજગારી અને નવા પ્રવાસન સ્થળોના વિકાસ માટે નવી ટુરિઝમ પોલીસી પણ થડાઈ રહી છે. સાથે સાથે દરિયાકાંઠાના વેપાર અને જહાજ નિર્માણ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે શિપબિલ્ડીંગ નીતિ બનાવવા અધિકારીઓ કામે લાગ્યાં છે.
આમ, મહેસાણા, રાજકોટમાં યોજાયેલી પ્રાદેશિક કોન્ફરન્સની સફળતા બાદ સરકારના વિવિધ વિભાગો હાલમાં નવી નીતિઓના મુસદ્દા તૈયાર કરવામાં આવી રહ્યાં છે તે જોતાં વાઈબ્રન્ટ સમિટ પહેલાં સરકાર આ બધીય નીતિઓ જાહેર કરે તેવી શકયતા જોવાઈ રહી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
