<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

શિક્ષણના નામે ઉઘાડી લૂંટઃ પેપર લીક પરીક્ષા કૌભાંડો સામે છાત્ર-ગૂંજ

૨૨-૨૩ જૂને રાજ્‍યભરના જિલ્‍લાઓમાં પ્રેસ કોન્‍ફરન્‍સ દ્વારા વિદ્યાર્થીઓના અવાજને વાચા અપાશેઃ અમિત ચાવડા : શિક્ષણ વ્‍યવસ્‍થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશેઃ તમામ જિલ્‍લાઓમાં પ્રેસ કોન્‍ફરન્‍સઃ વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદોને વાચા અપાશેઃ અમિત ચાવડાઃ ૨૨ લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ રૂ.૧.૩૨ લાખ કરોડ- જ્‍યારે દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડઃ પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્‍મહત્‍યાના બનાવોમાં વધારોઃ કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન રાજીનામું આપેઃ મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવીઃ NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારેઃ અમિત ચાવડા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ જણાવ્‍યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્‍ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્‍યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્‍યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્‍યવસ્‍થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્‍યમ બની ગઈ હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.

છેલ્‍લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્‍યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્‍યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્‍યવસ્‍થાની નિષ્‍ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે. તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્‍યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ નીટ પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્‍યારે વારંવાર પેપર લીક થાય છે ત્‍યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે. મોદી સરકારના છેલ્‍લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્‍યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. નીટ ઉપરાંત CBSE, SSC, NDA, વ્‍યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્‍યો નથી. શ્રી રાહુલ ગાંધીના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્‍યવસ્‍થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્‍યવસ્‍થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્‍યવ્‍યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્‍ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે. તેમ જણાવી શ્રી અમિત શાહે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહેલ કે ૨૨ અને ૨૩ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્‍લા મથકો પર પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્‍યવસ્‍થાને લગતી ચિતાઓને વાચા આપવામાં આવશે.

રાજીવ ગાંધી ભવન ખાતે ગઈકાલે આયોજિત પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્‍વીનર, પ્રવકતા ડો. મનીષ દોશી, મીડિયા કો-કન્‍વીનર અને પ્રવક્‍તા શ્રી હેમાંગ રાવલ, (મો.૯૮૯૮૩ ૩૦૩૮) પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ શહેર પ્રભારી ડો. હિમાંશુ પટેલ, પ્રવક્‍તા ડો. હિરેન બેન્‍કર, શ્રી મુકેશ પંચાલ ઉપસ્‍થિત રહ્યા હોવાનું કોંગ્રેસની એક યાદીમાં જણાવાયું છે.

(4:14 PM IST)