<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

શિક્ષણ જ પરિવાર અને સમાજનું ચિત્ર બદલી શકે છે; દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન રાખો :

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ગોલથરા ગામે ગ્રામજનો સાથે રાત્રિસભામાં પ્રેરણાદાયી સંવાદ

ગ્રામજનોને શિક્ષણ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી દ્વારા ગ્રામીણ સમૃદ્ધિનું આહ્વાન કરતા રાજ્યપાલ: વૈજ્ઞાનિક નસ્લ સુધારણા અને સેક્સ્ડ સોર્ટેડ સિમેનથી પશુપાલકોની આવકમાં અનેકગણો વધારો શક્ય:કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતીથી વધુ ઉત્પાદન મળે છે; સખત પરિશ્રમ કરનારને ઈશ્વર પણ સાથ આપે છે:રાજ્યપાલ 

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામે રાત્રિસભા યોજીને ગ્રામજનો સાથે મુક્તમને ભાવસભર સંવાદ કર્યો હતો. ગામની પીએમ શ્રી પ્રાથમિક શાળા સંકુલ ખાતે આયોજિત આ રાત્રિ સભામાં રાજ્યપાલશ્રીએ ગ્રામીણ વિકાસ, ઉત્તમ શિક્ષણ, દીકરીઓનું સશક્તિકરણ, વ્યસનમુક્તિ, પશુપાલનમાં નસ્લ સુધારણા અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનોને પથદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધનની શરૂઆતમાં સરપંચ શ્રીમતી પાયલબેન ઠાકોર અને ગોલથરા ગ્રામ પંચાયતની ટીમને અભિનંદન આપતા એક વિશેષ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામના શિક્ષિત યુવાનોની એક ટીમ બનાવવી જોઈએ. આ ટીમ ગામના ગરીબ અને ઓછું ભણેલા નાગરિકોની ઓળખ કરી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. 
રાજ્યપાલએ કહ્યું કે શિક્ષણ જ પરિવાર અને સમાજનું ચિત્ર બદલી શકે છે. રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન સમયમાં દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. યુનિવર્સિટી કન્વોકેશન સમારોહમાં ૮૦% થી વધુ ગોલ્ડ મેડલ દીકરીઓ પ્રાપ્ત કરી રહી છે. તેથી દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે ગોલથરા ગામની શાળા પીએમશ્રી યોજના હેઠળ શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવે છે. ધોરણ ૮ સુધીના અભ્યાસ બાદ ખેતી કે ઘરકામની લાલચમાં બાળકોનું ભણતર અધવચ્ચે છોડાવવાને બદલે તેમને ઉચ્ચ શિક્ષણ આપવું અનિવાર્ય છે. આજના યુગમાં યુવા પેઢીને નશાકારક દ્રવ્યો, ગુટખા અને ખરાબ સંગતથી બચાવવા માતા-પિતાએ બાળકોના વર્તન અને અભ્યાસ પર સતત ધ્યાન આપવું જોઈએ. સંસ્કારવાન અને શિક્ષિત સંતાનો જ કુળ અને દેશનું નામ રોશન કરે છે.
ખેતી અને પશુપાલનને એકબીજાના પૂરક ગણાવતા રાજ્યપાલએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા પશુઓની નસ્લ સુધારણા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યપાલશ્રીએ માહિતી આપી હતી કે, સરકાર દ્વારા પશુપાલકોને માત્ર રૂ. ૫૦ માં સેક્સ્ડ સોર્ટેડ સિમેન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી માત્ર વાછડી કે પાડીનો જ જન્મ થાય છે, જેનાથી પશુપાલકોની આવકમાં વધારો થાય છે.
આ તકે પશુપાલન વિભાગના અધિકારીઓને દરેક ગામમાં શિબિરો આયોજિત કરી ખેડૂતોને નસ્લ સુધારણા વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા રાજ્યપાલએ નિર્દેશ આપ્યા હતા.
રાજ્યપાલએ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશ સામે ચેતવણી આપતા પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને અપીલ કરી હતી. તેમણે કુરુક્ષેત્ર ગુરુકુલની ૨૦૦ એકર જમીનમાં છેલ્લા ૧૦-૧૧ વર્ષથી કેમિકલ વગર સફળતાપૂર્વક કરાતી પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવ્યો હતો, જેમાં રાસાયણિક ખેતી કરતા પણ વધુ ઉત્પાદન મળે છે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ પટેલે ગોલથરા પી.એમ. શ્રી પ્રાથમિક શાળા સંકુલ નજીક આવેલા તળાવ ફરતે શાળાના બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને રૂ. ૫ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
આ રાત્રીસભા દરમિયાન રાજ્યપાલના હસ્તે ગોલથરા ગામના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તથા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, રાજ્યપાલના આગમન પૂર્વે નારદીપુર અને ગોલથરા ગામમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૩,૦૦૦ થી વધુ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ તથા સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ અને ગોલથરા ગામના સરપંચ શ્રીમતી પાયલબેન ઠાકોર સહિત ગ્રામજનો અને વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(10:21 PM IST)