<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

બોર્ડના પરિણામ બાદ ગુણચકાસણી અને OMR નકલ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ : તા. 13 મે સુધી અરજી કરી શકાશે

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટ-2026ના ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન આજથી ખુલ્લું મુકાયું : SBI ePay દ્વારા ફી ભરી શકાશે

ગાંધીનગર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટ-2026ની પરીક્ષાના પરિણામો તા. 04/05/2026ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામો બાદ જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતુષ્ટ હોય અથવા ચકાસણી કરાવવા માંગતા હોય, તેમના માટે બોર્ડ દ્વારા અરજી પ્રક્રિયાની વિગતો જાહેર કરવામાં આવી છે.

 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ માટેની સૂચના:

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના જે ઉમેદવારો ઉત્તરવહી અવલોકન, ગુણચકાસણી અને OMR ની નકલ મેળવવા ઈચ્છતા હોય, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org અથવા sci.gseb.org પર ઓનલાઇન અરજી કરી શકશે. આ પ્રક્રિયા તા. 06/05/2026ના રોજ સાંજે 17:00 કલાકથી શરૂ થઈ છે અને તા. 13/05/2026ના રોજ સાંજે 17:00 કલાક સુધી ચાલશે. તેવી જ રીતે, ગુજકેટ-2026ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોતાની OMR નકલ મેળવવા માટે gujcet.gseb.org પર નિર્ધારિત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.

 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની વિગત:

ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ઉમેદવારો કે જેઓ ગુણચકાસણી કરાવવા માંગે છે, તેઓએ hsc.gseb.org પર જઈને અરજી કરવાની રહેશે. સામાન્ય પ્રવાહ માટે પણ અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે, 2026ના રોજ સાંજે 17:00 કલાક સુધીની જ રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ પણ રીતે કરવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

 ફી ભરવાની પદ્ધતિ:

ગુણચકાસણી, અવલોકન કે OMR નકલ માટેની નિયત ફી ઓનલાઇન SBI ePay System (Credit Card, Debit Card, Net Banking) દ્વારા ભરી શકાશે. આ ઉપરાંત, SBI ePay ના "SBI Branch Payment" ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ SBI શાખામાં પણ ફી ભરી શકાશે. આ અંગે આચાર્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવા બોર્ડના સચિવ આર.આર.વ્યાસની યાદીમાં જણાવાયું છે.

(5:12 PM IST)