<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

આસો નવરાત્રિ મહોત્સવ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ મંદિરે માતાજીના દર્શનનો અને રોપવેના સમયમાં મહત્વનો ફેરફાર

દર્શન અને ઉડનખટોલાના સંચાલન સમયમાં ફેરફારોની નવી વ્યવસ્થા નવરાત્રિના પ્રથમ નોરતાથી શરદ પૂનમ સુધી અમલમાં રહેશે

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની માં મહાકાળીના દર્શનાર્થે આસો નવરાત્રિ દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડતા હોય છે. આ પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓ સુગમતાથી માતાજીના દર્શન કરી શકે અને ભીડ નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ તેમજ રોપવે સેવા પૂરી પાડતી કંપની ઉષા બ્રેકો દ્વારા દર્શન અને ઉડનખટોલાના સંચાલન સમયમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા નવરાત્રિના પ્રથમ નોરતાથી શરદ પૂનમ સુધી અમલમાં રહેશે.

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, નવરાત્રિના તહેવાર દરમિયાન દર્શન માટે નીચે મુજબ વ્યવસ્થા રહેશે:

સવારે 5:00 વાગ્યે કપાટ ખુલશે: આસો નવરાત્રિના એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ (નવમી), તેરસ, ચૌદસ અને પૂનમના વિશેષ દિવસોએ માતાજીના કપાટ વહેલી સવારે 5:00 કલાકે દર્શનાર્થે ખોલી દેવામાં આવશે.

સવારે 6:00 વાગ્યે કપાટ ખુલશે: નવરાત્રિના બાકીના સામાન્ય દિવસોમાં મંદિરના દ્વાર સવારે 6:00 કલાકે ખુલશે.

રાત્રે 8:30 વાગ્યે મંદિર બંધ થશે: નવરાત્રિના તમામ દિવસો દરમિયાન રાત્રે 8:30 કલાકે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ મંગલ કરવામાં (બંધ કરવામાં) આવશે.

પાવાગઢ ખાતે તળેટીથી ડુંગરની ટોચ સુધી શ્રદ્ધાળુઓને લઈ જતી રોપવે સેવાની ઓપરેટિંગ કંપની ઉષા બ્રેકો દ્વારા પણ મુસાફરોની વધતી ભીડને ધ્યાને રાખી વિશેષ શિડ્યુલ જાહેર કરાયું છે:

સવારે 4:00 વાગ્યાથી રોપવે શરૂ થશે: આસો નવરાત્રિના અતિ વ્યસ્ત અને ધાર્મિક મહત્વ ધરાવતા દિવસો – એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નવમી, તેરસ, ચૌદશ અને પૂનમના રોજ રોપવે સેવા વહેલી સવારે 4:00 કલાકે જ કાર્યરત કરી દેવાશે.

સવારે 5:00 વાગ્યાથી રોપવે શરૂ થશે: નવરાત્રિના બાકીના દિવસો એટલે કે બીજ, ચોથ, પાંચમ, છઠ્ઠ, દશમ, અગિયારસ અને બારસના દિવસે રોપવે સેવા સવારે 5:00 વાગ્યાથી મળશે.

રાત્રે 9:00 વાગ્યા સુધી સેવા ચાલુ રહેશે: યાત્રાળુઓની સુવિધા માટે સામાન્ય રીતે રાત્રે 9:00 વાગ્યા સુધી ઉડનખટોલા સેવા ચાલુ રહેશે. જો ભક્તોની ભીડ વધારે હશે તો સ્થિતિ મુજબ આ સમય આગળ લંબાવવામાં પણ આવી શકે છે.

નવરાત્રિ પર્વ દરમિયાન લાખો ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચવાના હોવાથી પાવાગઢ તળેટી, માંચી અને ડુંગર પર સુરક્ષા, પીવાના પાણી, પ્રાથમિક આરોગ્ય અને ટ્રાફિક નિયમનની સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓને નવા સમયપત્રકને ધ્યાને રાખીને દર્શન યાત્રાનું આયોજન કરવા અનુરોધ કરાયો છે.

(1:09 PM IST)