તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિ નિમિત્તે તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે: નાયબ મુખ્યમંત્રી વલસાડ ખાતે ઉપસ્થિત રહેશે:ઉજવણીના આયોજન અંગે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગાંધીનગર :ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિના અવસરે રાજ્યમાં ભવ્ય ઉજવણીના આયોજન અંગે આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આગામી તા. ૧૧ થી તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ સુધી “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના તમામ વિધાનસભા મતવિસ્તારો, મહાનગરો તેમજ આદિજાતિ જિલ્લાઓ સિવાયના બાકીના જિલ્લાઓમાં જિલ્લા અને મહાનગર કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજાશે.
“જન જાતિય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ ખાતે ઉપસ્થીત રહેશે. આ ઉપરાંત અન્ય તમામ આદિજાતિ વિધાનસભા ક્ષેત્રોમાં રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમો સંપન્ન થશે.
આ બેઠકમાં રાજ્ય મંત્રી પી.સી. બરંડા, રમેશ કટારા, જયરામ ગામીત તથા મોરચા પ્રમુખ ગણપત વસાવા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આદિજાતિ વિભાગના સચિવ આલોક કુમાર પાંડે તેમજ નિયામક રચિત રાજની ઉપસ્થિતિત રહ્યા હતા.
આ સાપ્તાહિક ઉજવણી દરમિયાન જનજાતિ યુવા સંવાદ, જનજાતીય મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ, ગ્રામ પંચાયત દીઠ ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્રનું પઠન અને આરતી, દીપોત્સવ, પરંપરાગત વાદ્યો સાથે શોભાયાત્રા, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પરંપરાગત રમતોત્સવ તથા મહિલા સંમેલન જેવા વિવિધ પ્રેરણાદાયી અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા. આ તમામ પ્રાયોજના અધિકારીઓ, આદિજાતિ સાંસદો, ધારાસભ્યો તેમજ આદિજાતિ મોરચાના રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
