તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં આગામી તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન "જનજાતીય ગૌરવ સપ્તાહ"ની ભવ્ય ઉજવણી
છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ યોજાશે : યુવા સભા, શોભાયાત્રા, પારંપરિક રમતોત્સવ અને મહિલા સભા સહિતના વિવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દેશભરમાં દર વર્ષે ૧૫ નવેમ્બરને "જનજાતીય ગૌરવ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ૧૨ થી ૧૮ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી "જનજાતીય ગૌરવ સપ્તાહ"ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન આદિજાતિ વિસ્તારોમાં વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
તારીખવાર કાર્યક્રમોની વિસ્તૃત રૂપરેખા:
આવતીકાલ તા. ૧૨ નવેમ્બરના રોજ સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પ્રદેશ કક્ષાની પત્રકાર પરિષદ યોજાશે, જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી પી.સી. બરંડા, ડૉ. જયરામભાઈ ગામીત, રમેશભાઈ કટારા તેમજ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરાશે. આ જ દિવસે રાજ્યના ૩૪ જિલ્લાઓ અને ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ ૫૧ સ્થળોએ પણ પત્રકાર પરિષદો યોજી સ્થાનિક આયોજનોની વિગતો અપાશે.
તા. ૧૩ નવેમ્બરના રોજ ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૫ વિધાનસભા ક્ષેત્રોમાં 'જનજાતિ યુવા સભા' યોજાશે, જેમાં ૫૦૦ જેટલા યુવાનો સાથે મહાનુભાવો સીધો સંવાદ સાધીને તેમને 'વિકસિત ભારત'ના વિઝન સાથે જોડશે. તા. ૧૪ નવેમ્બરના રોજ સવારે ભગવાન બિરસા મુંડા અને મહાનાયકોની પ્રતિમાઓ આસપાસ સ્વચ્છતા અભિયાન તથા સંત-મહંતોનું ગૃહ સન્માન કરાશે. જ્યારે સાંજે દરેક ગ્રામ પંચાયતમાં મહિમા પઠન, દીપોત્સવ, આરતી અને ભજન સંધ્યા યોજાશે.
છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ:
તા. ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ અંદાજે ૧૦ હજાર નાગરિકો પરંપરાગત વસ્ત્રો અને વાજિંત્રો સાથે વિશાળ શોભાયાત્રામાં જોડાશે. આ જ દિવસે છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ યોજાશે. આ પ્રસંગે વન અધિકાર પત્રોનું વિતરણ, વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન અને લાભાર્થીઓને સહાય અપાશે.
પ્રબુદ્ધ નાગરિક સભા, રમતોત્સવ અને મહિલા સભાનું આયોજન:
ઉજવણીના ભાગરૂપે તા. ૧૬ નવેમ્બરના રોજ ડૉક્ટર, વકીલ, શિક્ષક અને ઉદ્યોગસાહસિકો જેવા પ્રબુદ્ધ નાગરિકોની સભા મળશે. તા. ૧૭ નવેમ્બરના રોજ ગિલ્લી દંડા, તીરકામઠા, કોથળાદોડ, સાતોડિયું, ભમરડો, આમલીપીપળી, લંગડી અને કબડ્ડી જેવી ૧૫થી વધુ વિસરાતી પરંપરાગત રમતો સાથે ભવ્ય રમતોત્સવ રમાડાશે. અંતમાં તા. ૧૮ નવેમ્બરના રોજ આદિજાતિ સમુદાયની ૨૫૦ મહિલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં 'મહિલા સભા' યોજીને આ ગૌરવપૂર્ણ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવશે, જે આદિવાસી સંસ્કૃતિ અને સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોને જીવંત રાખવાનો અભૂતપૂર્વ પ્રયાસ સાબિત થશે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
