તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
સુરત જિલ્લાના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર:કરંજ ગામ પાસે અકસ્માતમાં કાર પલટી: પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત: એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત
હાઈવે પર માટી પડેલી હોવાથી કારચાલકે અચાનક બ્રેક લગાવી જેના કારણે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ

સુરત જિલ્લામાં થી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અરેઠ તાલુકાના કરંજ ગામની સીમમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સાબરકાંઠા જઈ રહેલા એક પરિવારની કાર માર્ગ પર પડેલી માટીના કારણે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોને ઈજાઓ પહોંચી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર પોતાની કારમાં મુંબઈથી સાબરકાંઠા તરફ જઈ રહ્યો હતો. કરંજ ગામની સીમમાંથી પસાર થતી વખતે, હાઈવે પર માટી પડેલી હોવાથી કારચાલકે અચાનક બ્રેક લગાવી હતી. જેના કારણે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી.
અકસ્માત સમયે કારમાં પતિ-પત્ની, તેમની ત્રણ માસૂમ દીકરીઓ અને સાસુ સવાર હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે સાસુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પતિ અને ત્રણેય દીકરીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ અરેઠની તડકેશ્વર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ વે પર માટીના કારણે થયેલા આ અકસ્માતે માર્ગ સલામતીના મુદ્દા પર પણ સવાલો ઉભા કર્યા છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
