News of Friday, 18th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ભાજપ કિસાન મોરચા દ્વારા ‘આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનો પ્રારંભ : ૫૦૦ યુવાનોએ લીધો ભાગ
ખેતીને નવી ટેક્નોલોજી સાથે જોડવા અને કૃષિ આધારિત વ્યવસાયને પ્રોત્સાહન આપવા યુવાનોએ લીધો સામૂહિક સંકલ્પ : નાટ્યપ્રસ્તુતિ તેમજ નિષ્ણાતોના માર્ગદર્શનથી ઉદ્યોગસાહસિકતાનો સંદેશ આપ્યો

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કર્ણાવતીના ગુલબાઈ ટેકરા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ખાતે ‘આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ નામના નવતર કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન અને કિસાન મોરચા પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાના નેતૃત્વ હેઠળ, એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ આયોજન કરાયું હતું.
ઉદ્યોગસાહસિકતા અને મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન:
આ કાર્યક્રમ મારફતે યુવાનો અને ખેડૂતોને ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન (વેલ્યૂ એડિશન) તથા સરકારની વિવિધ કૃષિ અને ઔદ્યોગિક યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ‘શૂન્યમાંથી સર્જન - યુવા ઉદ્યોગસાહસિક’ સત્રમાં વોટરવેલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર દીપ કોઠડીયાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. નિષ્ણાતો દ્વારા યુવાનોને કૃષિ આધારિત વ્યવસાય શરૂ કરવા માટે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પ્રેરક નાટક અને સામૂહિક સંકલ્પ:
શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના યુવાનોએ ઉદ્યોગસાહસિકતા અને સરકારી સહાય પર આધારિત એક પ્રેરક નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ૫૦૦ જેટલા યુવાનોએ ખેતીને નવી ટેક્નોલોજી સાથે જોડવા અને કૃષિ આધારિત વ્યવસાયને ખેડૂતોના હિતનું માધ્યમ બનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો.
સેલના હોદ્દેદારોનું નિવેદન:
એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલના સંયોજક ડૉ. વિનુ રામાણીએ જણાવ્યું હતું કે, યુવાનો કૃષિ આધારિત ઉદ્યોગો થકી આત્મનિર્ભર બને તે માટે ઉદ્યોગસાહસિકતાનું બીજ વાવવાનો આ પ્રયાસ છે. સહ-સંયોજક મહેશ પટેલે યુવાનોની ઉત્સાહભરી ભાગીદારીને બિરદાવી હતી.
દરેક જિલ્લામાં યોજાશે કાર્યક્રમ:
કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિ અને ખેડૂતો કેન્દ્રસ્થાને છે. આ સફળ પ્રયોગને આગામી સમયમાં કિસાન મોરચા દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં યોજવામાં આવશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
