News of Thursday, 17th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામ-જાસપુર ખાતે પ્રજ્વલિત થયો 'આશીર્વાદનો દીવો': મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
દેશના વિકાસ અને આત્મનિર્ભરતાના પ્રણેતાની ૨૫ વર્ષની સમર્પિત જનસેવાને બિરદાવવા ભવ્ય ઉજવણી: સમગ્ર ભારતના નકશા પર દીપોત્સવ, ૭૬+૭૬ દીકરીઓ દ્વારા 'પૂર્ણ વંદે માતરમ્' અને લોકડાયરાનું આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:
દેશના વિકાસ અને આત્મનિર્ભરતાના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસે તેમની ૨૫ વર્ષની અવિરત અને સમર્પિત જનસેવાની મહાયાત્રાને બિરદાવવા માટે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ ખાતે 'આશીર્વાદનો દીવો' નામના વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસેવાને જ જીવનનો પરમ ધ્યેય બનાવનાર વડાપ્રધાનને સન્માનિત કરતા આ પાવન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:
આ ગૌરવવંત સમારોહમાં ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ભારતના નકશા પર પ્રજ્વલિત કરાયેલ અદ્ભુત દીપોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સાથે જ ૭૬+૭૬ દીકરીઓના સ્વમુખે ગવાયેલા 'પૂર્ણ વંદે માતરમ્', ભક્તિરસથી છલકાતા ભવ્ય લોક ડાયરા અને ભજન સંધ્યા, વડાપ્રધાનની પ્રેરણાદાયી જીવનગાથાની પ્રસ્તુતિ અને 'સંકલ્પ - વિકસિત ભારત ૨૦૪૭' જેવા અનેકવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો મહાઆરતીમાં પણ સહભાગી થયા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ પાવન પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલે શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડી હતી. આ સમારોહમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્યો જીતુભાઈ તથા ડૉ. હર્ષદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કોર્પોરેટરો, દાતાઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમ સહિત અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદનો દીવો' પ્રગટાવી તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.
(1:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
