News of Sunday, 3rd May 2026
વડોદરાના જૂના સમલાયામાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા મહિલાઓ વિફરી :' પાણી આપો'ના સુત્રોચાર સાથે માટલા ફોડ્યા
તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી મહિલાઓએ રસ્તા રોકી સૂત્રોચ્ચાર કર્યા અને આ મુદ્દે આવતીકાલે TDO કચેરીએ લેખિત રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી ગામમાં પીવાનું પાણી ન આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા મહિલાઓનો સંયમ ખૂટ્યો છે અને તેઓએ પંચાયત સામે મોરચો માંડ્યો છે.
પાણીના અભાવે રોષે ભરાયેલી મહિલાઓએ પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી પંચાયત તંત્ર વિરુદ્ધ 'પાણી આપો પાણી આપો' ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રીતે માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચને અનેકવાર રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા પાણીના વિતરણ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ઉનાળામાં સ્થિતિ વધુ કફોડી બની છે.
સમલાયા ગામની મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે પાણીની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહિલાઓએ આવતીકાલે તાલુકા વિકાસ અધિકારી કચેરીએ જઈને લેખિતમાં રજૂઆત કરવાની જાહેરાત કરી છે. તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી સાથે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
