<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

સુરત રેન્જમાં રેલવે અકસ્માતોનો આંકડો ૫૧૮ ને પાર : ડીજીપી ડો. કે.એલ. રાવે મુસાફરોની સુરક્ષા માટે એક્શન પ્લાન ઘડવા આપ્યા આદેશ

રેલવે આઈજી કે.એન. ડામોરના માર્ગદર્શન હેઠળ ‘માનવ જીવ બચાવો અભિયાન’ શરૂ : ડીવાયએસપી દિનેશ ગૌરે ચાલુ ટ્રેને ચઢવા અને ટ્રેક પર શોર્ટકટ ન અપનાવવા કરી ગંભીર અપીલ

 સુરત: મંગળવાર, તા. ૨૧-૦૪-૨૦૨૬  પશ્ચિમ રેલવેમાં મુસાફરોની વધતી સંખ્યા અને તેની સાથે રેલવે અકસ્માતમાં થતા મોતના આંકડાએ ચિંતા જન્માવી છે. સુરત રેન્જમાં દર વર્ષે સરેરાશ ૫૧૮થી વધુ લોકો રેલવે અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાની વિગતો સામે આવતા રાજ્યના ડીજીપી ડો. કે.એલ. રાવ દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તેમણે રેલવે રેન્જ આઈજી કે.એન. ડામોરને અકસ્માતો રોકવા જરૂરી નિર્દેશ આપ્યા બાદ ગુજરાત રેલવે પોલીસ (GRP) દ્વારા એક ભગીરથ ‘એક્શન પ્લાન’ અને જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

 

 ઉનાળુ વેકેશનમાં પોલીસ ફોર્સ તૈનાત:

હાલમાં ઉનાળુ વેકેશનની સીઝન શરૂ થઈ હોવાથી રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. આઈજી કે.એન. ડામોર દ્વારા ગુજરાતના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર વધારાની પોલીસ ફોર્સ ફાળવવામાં આવી છે. ખાસ કરીને ટ્રેન ઉપડતી હોય ત્યારે ચાલુ ટ્રેને દોડીને બેસવા જતા મુસાફરોને અટકાવવા માટે જવાનોને વિશેષ સૂચના અપાઈ છે. વલસાડ, વાપી, બીલીમોરા અને નવસારી જેવા સ્ટેશનો પર પેટ્રોલિંગ કરતા જવાનોએ અનેક યાત્રીઓના અમૂલ્ય જીવ બચાવીને પ્રસંશનીય કામગીરી કરી છે.

 

 શોર્ટકટ અને મોબાઈલનો વપરાશ જીવલેણ:

સુરત રેન્જના ડીવાયએસપી દિનેશ ગૌરે અકસ્માતોના કારણો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત રેન્જમાં દર વર્ષે અંદાજે ૫૧૮ લોકો ટ્રેનની અડફેટે આવવાથી કે અકસ્માતથી જીવ ગુમાવે છે. લોકો અવારનવાર શોર્ટકટ અપનાવવા પાટા ઓળંગતા હોય છે અને તે સમયે મોબાઈલ ફોનમાં મશગૂલ હોવાથી ટ્રેનની સ્પીડનો અંદાજ મેળવી શકતા નથી. વર્તમાન સમયમાં ટ્રેનોની સ્પીડ વધારે હોવાથી બચવાની તક મળતી નથી, તેથી હંમેશા ફૂટ ઓવર બ્રિજ (FOB) નો જ ઉપયોગ કરવો જોઈએ.

 

 જીઆરપીના ડીવાયએસપી દિનેશ ગૌર દ્વારા અપાયેલી મહત્વની સૂચનાઓ:

 *  શોર્ટકટ ટાળો:  પ્લેટફોર્મ પર એક બાજુથી બીજી બાજુ જવા પાટા ઓળંગવાને બદલે હંમેશા બ્રિજનો ઉપયોગ કરવો.

 *  સમયસર સ્ટેશને પહોંચો:  ટ્રેન છૂટી જવાની બીકે ઉતાવળમાં અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેનના સમયના અડધા કલાક પહેલા સ્ટેશન પહોંચવાનો આગ્રહ રાખવો.

 *  ચાલુ ટ્રેન ટાળો:  દોડતી ટ્રેને ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો, તે જીવલેણ સાબિત થઈ શકે છે.

 *  રેલવે ટ્રેક નજીકના રહીશો માટે:  પાટા નજીક રહેતા લોકોએ ટ્રેક પર ચાલવું નહીં કે પશુઓને રખડતા છોડવા નહીં.

 

 સમગ્ર ગુજરાતના સ્ટેશનો પર જનજાગૃતિ અભિયાન:

રેલવે પોલીસ દ્વારા સ્ટેશનો પર લાઉડસ્પીકર, પોસ્ટર્સ અને વિવિધ કાર્યક્રમો દ્વારા મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ડીવાયએસપી દિનેશ ગૌરે અંતમાં ઉમેર્યું હતું કે, મુસાફરોની એક ભૂલ તેમના પરિવારને ક્યારેય ન પુરાય તેવી ખોટ આપી શકે છે, માટે એક જવાબદાર નાગરિક તરીકે રેલવેના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

(1:01 PM IST)