News of Wednesday, 25th November 2026
હવે કોર્ટના ધક્કાથી મળશે રાહત :ગુજરાતમાં 24 સભ્યોની વિશેષ મધ્યસ્થી સમિતિ કરશે વિવાદ ઉકેલવાનો પ્રયાસ
કેન્દ્ર સરકારે ગુજરાતમાં 24 સભ્યોની વિશેષ મધ્યસ્થી સમિતિની રચના કરી:સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને જવાબદારી:સમાધાન થયા બાદ એફિડેવિટના આધારે કોર્ટ આપશે અંતિમ આદેશ

ગુજરાતમાં હવે કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં જ બંને પક્ષો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવાની નવી વ્યવસ્થા શરૂ થવા જઈ રહી છે. કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા અને સામાન્ય લોકોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં 24 સભ્યોની વિશેષ મધ્યસ્થી સમિતિની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2023માં ઘડાયેલાની જોગવાઈઓ હેઠળ આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. સમિતિના સભ્યો કોર્ટમાં કેસ પહોંચે તે પહેલાં જ બંને પક્ષકારોને સાથે બેસાડીને પરસ્પર સહમતિથી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
ગુજરાતમાં મધ્યસ્થીની કામગીરી માટે રચાયેલી 24 સભ્યોની સમિતિમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ વેપાર અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા અનુભવી લોકોની પસંદગી કરવામાં આવી છે.
આ તમામ સભ્યોને મધ્યસ્થીની પ્રક્રિયા અને કાયદાકીય બાબતોની સમજ આપવા માટે 40 દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ વ્યવસ્થામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર સભ્યોએ બંને પક્ષો વચ્ચેની વાતચીત અને કેસ સંબંધિત તમામ વિગતોની સંપૂર્ણ ગુપ્તતા જાળવવી પડશે.
ગુજરાતમાં શરૂ થનારી આ વ્યવસ્થાને આગામી સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે.
વેપાર-ઉદ્યોગ સંબંધિત વિવાદો હોય કે અન્ય પ્રકારના કાનૂની પ્રશ્નો, સમિતિના સભ્યો બંને પક્ષોને સાથે બેસાડીને સમાધાન કરાવશે. જો બંને પક્ષો વચ્ચે સહમતિ સધાય તો સમાધાનની શરતો એફિડેવિટમાં નોંધવામાં આવશે. ત્યારબાદ બંને પક્ષોની સહી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ દસ્તાવેજના આધારે કોર્ટ અંતિમ આદેશ આપી શકશે. એટલે કે, લાંબી સુનાવણી અને વારંવાર કોર્ટના ધક્કા ખાવાની જગ્યાએ બંને પક્ષો પરસ્પર સહમતિથી વિવાદનો ઉકેલ લાવી શકશે.
માત્ર નવા વિવાદો જ નહીં, પરંતુ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની અદાલતોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો પણ આ વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવશે.
કેસોના ભારે ભારણને કારણે લાંબા સમયથી સુનાવણી માટે ન આવી શકતી ફાઇલો પણ 24 સભ્યોની સમિતિને મોકલવામાં આવશે. આવા કેસોમાં સમાધાન માટે સમિતિને એક મહિનાનો સમય આપવામાં આવશે, જેથી પરસ્પર સહમતિથી વિવાદનો ઝડપથી નિકાલ લાવી શકાય.
કોર્ટની બહાર મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલવાની પદ્ધતિ વિશ્વના અનેક દેશોમાં સફળ સાબિત થઈ છે. જર્મની, જાપાન, ઇટાલી, નેધરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ અને સ્લોવેનિયા જેવા દેશોમાં પણ આ વ્યવસ્થા અમલમાં છે. આંકડાકીય વિગતો મુજબ, મધ્યસ્થીની પદ્ધતિથી બ્રિટનમાં 92 ટકા, સિંગાપોરમાં 89 ટકા અને ઓસ્ટ્રેલિયામાં 66 ટકા કેસો કોર્ટ સુધી પહોંચે તે પહેલાં જ ઉકેલાઈ જાય છે. હવે ભારતમાં પણ (Mediation Act 2023) હેઠળ આવી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો ગુજરાતમાં આ પ્રયોગ સફળ રહેશે તો અદાલતો પરનું ભારણ ઘટવાની સાથે સામાન્ય નાગરિકોનો સમય, નાણાં અને કાનૂની પ્રક્રિયાની લાંબી દોડધામ પણ બચી શકશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
