તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
હવે સોયના દુખાવા વગર અને લોહીના ટીપા વિના માત્ર દર્દીની લાળથી શુગર લેવલ સ્માર્ટફોનથી ચેક કરી શકાશે
અમદાવાદની પોલિટેક્નિક અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક પ્રોફેસરોએ મળીને સ્માર્ટ ડિવાઇસ તૈયાર કર્યું

અમદાવાદ :ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી થાય તેવું સ્માર્ટ ડિવાઈસ અમદાવાદની પોલિટેક્નિક અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક પ્રોફેસરોએ મળીને તૈયાર કર્યું છે. આ ડિવાઈઝની મદદથી હવે માત્ર લોહીના ટીપાં વગર જ માત્ર દર્દીની લાળથી જ શરીરમાં કેટલું ગ્લુકોઝનું પ્રમાણ છે. તે જાણી શકાશે. જેમાં IIPH ના. આકાંક્ષા શુક્લા, કોમલ શાહ, ધિયાન શાહ અને સરકારી પોલિટેક્નિકના પ્રોફેસર ઉર્વિશ સોનીના સહયોગથી આ ડિવાઈસને ડિઝાઈન કરાયું છે.
આ ડિવાઈસ બાયો-સેન્સર પર આધારિત છે. જેમાં સંશોધકોએ પ્રાથમિક તબક્કામાં કુલ 35 લોકો પર તેનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ડિવાઈસનું રિઝલ્ટ નોર્મલ બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ સાથે 85 ટકા સરખું મેચ થાય છે. હાલમાં સંશોધકોએ આ ડિવાઈસનું મોડેલ તૈયાર કર્યું છે. આ ડિવાઈસના ઉપયોગથી દર્દીઓને સોય ભોંકવાથી રાહત મળશે. આ તકનીકને અપગ્રેડ કરીને મોબાઈલ એપ્લિકેશન સાથે જોડવાની યોજના છે.
આ ડિવાઈસથી દર્દીઓ ઘરે બેઠા સ્માર્ટફોનની મદદથી શુગરનું લેવલ ચેક કરી શકશે. ઘણીવાર માર્કેટમાં મળતા પરંપરાગત ગ્લુકોમીટરમાં નવી ટેસ્ટ સ્ટ્રિપ્સ અને સોય વાપરવી પડતી હોવાથી તે ખૂબ જ એક્સપેન્સિવ સાબિત થાય છે. પોલિટેક્નિકના સંશોધકો દ્વારા ડિઝાઈન કરાયેલું આ ડિવાઈસ ખૂબ જ નજીવી કિંમતે ટેસ્ટ કરશે. હાલ સંશોધકો દ્વારા આ તકનીકની પેટન્ટ મેળવવાની પ્રોસેસ શરુ કરી દેવાઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં ડાયાબિટીસના સ્ક્રીનિંગ માટે આશિર્વાદ સમાન સાબિત થઈ શકે છે. દર્દીઓ માટે ઉપયોગી ડિવાઈસ તૈયાર કરનારા સંશોધકોના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના પેશન્ટને બ્લડ ટેસ્ટ દરમિયાન થનારી પીડાને જોઈને અમે નવી તકનીક શોધવાનો વિચાર કર્યો, જેની મદદથી ડાયાબિટીસથી પીડાતા દર્દીઓને રાહત મળે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
