<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

હવે પોલીસના ગણવેશ સિલાઈની રકમ સીધી દરેકના બેંક ખાતામાં જમા થઈ જશે

રાજ્‍યના ૧.૪૬ લાખ પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર

અમદાવાદ,તા.૨: ગુજરાત રાજ્‍યના આશરે ૧.૪૬ લાખ કર્મચારીઓ માટે રાહતરૂપે રાજ્‍ય પોલીસવડા દ્વારા ગણવેશની સિલાઈના નાણાં ચૂકવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હવેથી પોલીસ કર્મચારીઓને યુનિફોર્મ, અંગોલા કાપડ કે ડાંગરી કોટનું વિતરણ થયા બાદ સિલાઈ ખર્ચ મેળવવા અલગથી બિલ રજૂ કરવાની જરૂર નહીં રહે. મંજૂર થયેલા નિયત ધોરણ મુજબની સિલાઈની રકમ કાપડના વિતરણ સાથે જ સીધી સંબંધિત કર્મચારીના બેંક ખાતામાં જમા થશે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીના અધ્‍યક્ષસ્‍થાને રાજ્‍ય કક્ષાની પોલીસ દાદ-ફરિયાદ બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો છે

વડા કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ સંબંધિત વડા મથકે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હવે કાપડ મળતાની સાથે જ નિયત સિલાઈ ખર્ચની રકમ સીધી બેંક ખાતામાં જમા થવાથી રાજ્‍યના આશરે ૧.૪૬ લાખ પોલીસ કર્મચારીઓને બિલ પાસ કરાવવાની ઝંઝટમાંથી રાહત મળશે.

નવી વ્‍યવસ્‍થાથી સિલાઈ ખર્ચની ચુકવણીમાં પારદર્શિતા, ઝડપ અને એકરૂપતા જળવાશે. સાથે જ સંબંધિત રેકોર્ડમાં જરૂરી નોંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. પોલીસ કર્મચારીઓના સમય અને મહેનત બંનેની બચત આ પગલાથી થશે. જો કે, હજી પોલીસકર્મીઓ માટે આવાસ, વીમા કવચ અને સ્‍વાસ્‍થ્‍યને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ જરૂરી છે

પોલીસ યુનિફોર્મ અને બૂટની રદ્દી ગુણવત્તા સામે છૂપો રોષ

રાજ્‍યના પોલીસ વિભાગના કર્મચારીઓને સરકાર તરફથી વિનામૂલ્‍યે અપાતા ખાખી કાપડ, કટ બૂટ, પીટી બૂટ અને રેઇનકોટની નબળી ગુણવત્તાને લઈને પોલીસબેડામાં હજી છૂપો ગણગણાટ અને અસંતોષ છે. સરકાર દ્વારા સપ્‍લાય થતી આ કિટ્‍સ હલ્‍કી કક્ષાની હોવાથી, ચોમાસામાં રેઇનકોટમાંથી પાણી ટપકે છે અને બૂટ-કાપડ થોડા જ સમયમાં વપરાશ માટે અયોગ્‍ય બની જાય છે. પોલીસકર્મીઓ પોતાના નાણાં ખર્ચીને ગુણવત્તાયુક્‍ત યુનિફોર્મ, બુટ અને રેઇનકોટ ખરીદી રહ્યા છે.

(10:01 AM IST)