<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવવા હવે માત્ર એક જ કૉલની દૂરી પર : ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર ડાયલ કરતા જ તમામ નર્સરીઓની ડિજિટલ લિંક મોબાઈલમાં આવી જશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સજ્જ : રાજ્યની ૪૫૩ નર્સરીઓમાં નાગરિકો માટે ૧૧.૮૦ કરોડ રોપાઓ ઉછેરાયા : માત્ર ૫ થી ૧૫ રૂપિયાની નજીવી કિંમતે અથવા વિનામૂલ્યે છોડ ઉપલબ્ધ કરાવાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: જો તમે તમારા ઘર આંગણે, ખેતરમાં કે સોસાયટીમાં વૃક્ષારોપણ કરવા માંગતા હોવ અને નજીકની સરકારી નર્સરી શોધવામાં મુશ્કેલી પડતી હોય, તો હવે વન વિભાગ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી અત્યંત સરળ ડિજિટલ સોલ્યુશન તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકો હવે માત્ર ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર કૉલ કરીને પોતાના જ વિસ્તારની વન વિભાગની નર્સરીની તમામ વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા અને નાગરિકોને સરળતાથી રોપાઓ મળી રહે તે માટે આ વિશેષ લોકઉપયોગી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

 

એક મિસ્ડ કૉલ કે "Hi" લખતા જ ગૂગલ મેપ લોકેશન સાથેની લિંક મળશે:

આ ડિજિટલ સિસ્ટમની કાર્યપદ્ધતિ સમજાવતા અધિકારીઓએ જણાવ્યું છે કે, જ્યારે કોઈ નાગરિક ૮૩૨૦૦૦૨૦૦૦ મોબાઇલ નંબર પર ડાયલ કરશે, ત્યારે તે કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે. ત્યારબાદ તુરંત જ નાગરિકના મોબાઇલ ફોન પર એક એસએમએસ (SMS) આવશે, જેમાં એક વેબ લિંક આપેલી હશે. આ લિંક ખોલતાની સાથે જ સંબંધિત વિસ્તારની સામાજિક વનીકરણ વિભાગની નર્સરીની સંપર્ક વિગતો, ગૂગલ મેપ્સ પર તેનું ચોક્કસ લોકેશન અને ત્યાંના જવાબદાર વન અધિકારીઓના મોબાઇલ નંબર સ્ક્રીન પર આવી જશે. આ ઉપરાંત, નાગરિકો આ જ નંબર પર "Hi" લખીને SMS અથવા વોટ્સએપ (WhatsApp) મેસેજ મોકલીને પણ આ લિંક મેળવી શકે છે. આ લિંકના મેનૂમાં ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFOs), ઇકો-ટૂરિઝમ સાઇટ્સ અને વનને લગતી અન્ય સેવાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

૫ થી ૧૫ રૂપિયાની નજીવી કિંમત અથવા વિનામૂલ્યે પણ મળશે ઉચ્ચ ગુણવત્તાના રોપા:

પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (સોશિયલ ફોરેસ્ટ્રી) આર.કે. સુગૂરે રોપાઓ મેળવવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં વન વિભાગની કુલ ૪૫૩ નર્સરીઓ કાર્યરત છે. નાગરિકો કોઈપણ નર્સરી પરથી છોડના કદના આધારે માત્ર ૫ રૂપિયાથી લઈને ૧૫ રૂપિયા સુધીની નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ ખરીદી શકે છે. આ સિવાય, ૧૫ × ૨૫ સેન્ટિમીટર અથવા ૧૦ × ૨૦ સેન્ટિમીટરના કદની પોલીબેગમાં ઉછેરવામાં આવેલા રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જે નાગરિકો અથવા સંસ્થાઓ મફત કે રાહત દરે મોટા પ્રમાણમાં રોપાઓ મેળવવા ઈચ્છતા હોય, તેઓ પોતાના જિલ્લાના સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અથવા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (DCF) નો સંપર્ક સાધી શકે છે.

 

વન વિભાગની ઇન-હાઉસ ટેક્નોલોજી સરાહનીય, દરરોજ સંખ્યાબંધ કૉલ્સ:

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વન વિભાગની આ નાગરિક-કેન્દ્રી પહેલ અંતર્ગત એક ઇન-હાઉસ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ કોઈ પણ પ્રકારના વધારાના સરકારી ખર્ચ વિના સંપૂર્ણપણે વિભાગ દ્વારા જ ઓપરેટ કરવામાં આવે છે, જે જાહેર સેવામાં ટેક્નોલોજીના શ્રેષ્ઠ સમન્વયને દર્શાવે છે. આ સેવાને જનતા તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને દરરોજ અંદાજે ૩૦ થી ૪૦ કૉલ આવી રહ્યા છે. એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) એસ. કે. શ્રીવાસ્તવે ઉમેર્યું કે, આ એક ડાયનેમિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેને જરૂરિયાત મુજબ સમયસર ઝડપથી અપડેટ કરી શકાય છે.

 

વન્યજીવોના રેસ્ક્યૂ અને ફરિયાદો માટે ૧૯૨૬ હેલ્પલાઇન કાર્યરત:

વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ સિવાય વન્યજીવોના રક્ષણ માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જો વન્યજીવોના રેસ્ક્યૂ સંદર્ભે કોઈ મદદની જરૂર હોય અથવા વન વિભાગને લગતી કોઈ અન્ય ફરિયાદ હોય, તો નાગરિકો વન વિભાગની અગાઉથી કાર્યરત ટોલ-ફ્રી હેલ્પલાઇન ૧૯૨૬ પર ચોવીસ કલાક સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન નંબર પર પણ દૈનિક ધોરણે અંદાજે ૩૦ થી ૪૦ કૉલ આવી રહ્યા છે અને લોકોની સમસ્યાઓનું ત્વરિત નિવારણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન કવર વધારવાના આહવાનને ઝીલીને વન વિભાગે આ વર્ષે સામાજિક વનીકરણ વિંગ દ્વારા ૧૧.૮૦ કરોડ રોપાઓ વિતરણ માટે ખાસ તૈયાર રાખ્યા છે.

(2:32 PM IST)