<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

સુરતમાં રાહદારી મહિલાઓના પર્સ સ્નેચિંગ કરતી કુખ્યાત ગેંગ પોલીસના સકંજામાં : બે રીઢા ગુનેગારોને ઝડપી લેવાયા

મહિલાઓને નિશાન બનાવીને અચાનક પર્સ સ્નેચિંગ કરતી કુખ્યાત ગેંગ સકંજામાં:પોલીસે બાતમીના આધારે બે રીઢા ગુનેગારોને દબોચી લીધા:આરોપીઓ પાસેથી લાખોનો મુદામાલ જપ્ત

સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે ગુનેગારો પર પોલીસની બાજ નજર સતત વરતાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરમાં રાહદારી મહિલાઓને ખાસ ટાર્ગેટ બનાવીને પર્સ સ્નેચિંગ કરતી એક સક્રિય ગેંગનો પર્દાફાશ થયો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમેં બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કુખ્યાત ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પકડમાં આવેલા આ બંને આરોપીઓના નામ રાહુલ પંખાલે અને મોઇનખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન પૂછપરછ દરમિયાન સુરતના પુણા અને મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા બે ગંભીર ગુનાઓ સરળતાથી ઉકેલાઈ ગયા છે. ઝડપાયેલા બંને આરોપીઓની જડતી લેતા તેમની પાસેથી સ્નેચિંગ કરેલા રોકડ રૂપિયા ભરેલા પર્સ તેમજ સોના-ચાંદીના કિંમતી ઘરેણાં મળી કુલ રૂપિયા 3.94 લાખનો મોટો મુદ્દામાલ  પોલીસે સફળતાપૂર્વક જપ્ત કર્યો છે.

તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ સામાન્ય અપરાધી નહીં પરંતુ રીઢા ગુનેગાર છે. આરોપી રાહુલ પંખાલે વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં જુદા જુદા પોલીસ મથકોમાં 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેનો સાથીદાર આરોપી મોઇન સરવરખાન પઠાણ વિરુદ્ધ તો 15 જેટલા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયેલા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ નશાના આદી  છે અને પોતાના નશાની લત તેમજ મોજશોખ પૂરા કરવા માટે આવા ગુનાઓને અંજામ આપતા હતા. ચોરાયેલા રૂપિયા અને દાગીના વેચીને તેઓ પોતાની જરૂરિયાતો સંતોષતા હતા. હાલ મહિધરપુરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરતા અન્ય ક્યા ગુનાઓ ખુલે છે તે અંગે દિશામાં તપાસ શરૂ કરી છે.

(12:45 AM IST)