<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ચંડોળા વિસ્તારમાંથી પિસ્તોલ અને 4 કારતૂસ સાથે કુખ્યાત આરોપી મહંમદકલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણની ધરપકડ

36 થી વધુ ગંભીર ગુના ધરાવતા કુખ્યાત આરોપી મહંમદકલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણની ધરપકડ દરમિયાન પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા જેસીપી (JCP) દ્વારા આત્મરક્ષાર્થે કરાયેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને દબોચી લેવાયો

અમદાવાદ: શહેરમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રાને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સતર્ક બની ગઈ છે. રથયાત્રા પૂર્વે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ગુનેગારો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એક દિલધડક ઓપરેશન પાર પાડીને હથિયારોના મોટા જથ્થા સાથે એક મોસ્ટ વોન્ટેડ ગુનેગારને દબોચી લીધો છે.

ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને બાતમી મળી હતી કે એક રીઢો ગુનેગાર હથિયાર સાથે ઓપરેશન કરવાના ઇરાદે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચંડોળા વિસ્તારમાં કિલ્લાબંધી કરીને સફળ રેડ કરી હતી. પોલીસને જોઈને આરોપીએ નાસી છૂટવા માટે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિસ્થિતિ વણસતી જોઈને ત્યાં હાજર જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ - જેસીપી (JCP) દ્વારા ત્વરિત નિર્ણય લઈને આત્મરક્ષાર્થે હવામાં અને ત્યારબાદ આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેસીપીની ગોળી આરોપીના પગમાં વાગતા તે નીચે પટકાઈ ગયો હતો અને પોલીસે તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો.

ધરપકડ કરાયેલા આ ખતરનાક આરોપીની ઓળખ મહંમદકલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી એક અત્યાધુનિક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી મધ્ય પ્રદેશ થી આ ગેરકાયદેસર હથિયારો લાવ્યો હતો. તેનો મુખ્ય મનસૂબો અમદાવાદમાં પોતાના સાગરીતો સાથે મળીને એક નવી ગુનાહિત ગેંગ  બનાવવાનો અને રથયાત્રા દરમિયાન મોટી લૂંટ કે મારામારીની ઘટનાને અંજામ આપવાનો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

પકડાયેલો આરોપી કલીમ ભૈયા કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ગુનાખોરીની દુનિયાનું એક મોટું નામ છે. તેની વિરુદ્ધ અમદાવાદ અને રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ચોરી , મારામારી, ધમકી, અપહરણ લૂંટ અને પ્રોહિબિશન જેવા 36 થી વધુ ગંભીર ગુનાઓ સત્તાવાર રીતે નોંધાયેલા છે.

આ ઉપરાંત તેની અગાઉની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તંત્ર દ્વારા તેને 5 વખત પાસા (PASA) હેઠળ જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવ્યો હતો. આટલો કાળો ઈતિહાસ ધરાવતો ગુનેગાર હથિયાર સાથે પકડાતા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે.

(7:17 PM IST)