તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
સોમનાથમાં નોનવેજ પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકારઃ ૬ રેસ્ટોરન્ટ માલિકોની અરજી પર ચુકાદો અનામત
છેલ્લા ૩૫ વર્ષથી નોનવેજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરનાર અરજદારોની દલીલ છે કે સંબંધિત વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાથી તેમની આજીવિકાને અસર થઈ રહી છે

અમદાવાદ,તા.૨૨: સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાં નોનવેજના વેચાણ અને વ્યવસાય પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીના માર્ગને વેજ ઝોન જાહેર કરવાના ઓગસ્ટ ૨૦૨૬ના જાહેરનામા સામે છ નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે
અરજદારોની દલીલ છે કે તેઓ સંબંધિત વિસ્તારમાં છેલ્લા ૩૫ વર્ષથી નોનવેજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરી રહ્યા છે. વેજ ઝોન જાહેર કરવાના નિર્ણયને કારણે તેમના વ્યવસાય અને આજીવિકા પર અસર થઈ રહી છે. અરજદારોએ આ જાહેરનામાને બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(g) હેઠળ મળેલા વ્યવસાય અને રોજગાર કરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારના ભંગ સમાન ગણાવીને તેને પડકાર્યું છે.
બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે અરજદારોની દલીલો અને તેમની અરજી પાછળના હેતુ સામે સવાલો ઉઠાવ્યા હતા. સરકારી પક્ષે રજૂઆત કરી હતી કે અરજદારો હાઈકોર્ટ સમક્ષ હકીકતો યોગ્ય રીતે રજૂ કરી રહ્યા નથી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે કોર્ટના ધ્યાન પર એ બાબત પણ મૂકી હતી કે છ અરજદારોમાંથી ત્રણ અરજદારોએ વર્ષ ૨૦૧૮માં પણ આ જ પ્રકારના જાહેરનામાને પડકારતી અરજી કરી હતી, પરંતુ તે સમયે તેમને કોઈ વચગાળાની રાહત મળી નહોતી. સરકારી પક્ષે દલીલ કરી હતી કે અગાઉની અરજીમાં અરજદારોએ સંબંધિત વિસ્તારમાં છેલ્લા ૫૦ વર્ષથી વ્યવસાય કરતા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે હાલની અરજીમાં છેલ્લા ૩૫ વર્ષથી વ્યવસાય કરતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ બાબતના આધારે સરકારી પક્ષે અરજદારોની રજૂઆતની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા હતા.
રાજ્ય સરકાર તરફથી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીનો માર્ગ ભાલકા તીર્થ તરફ જતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરથી ધાર્મિક સ્થળે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી પક્ષની રજૂઆત મુજબ, વર્ષ ૨૦૦૬થી આ વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ અને વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ તબક્કે સુધારા સાથે જાહેરનામાં બહાર પાડવામાં આવ્યાં છે. અરજદારો જે સ્થળે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, તે વિસ્તાર પણ વર્ષ ૨૦૧૮-૧૯થી વેજ ઝોન હેઠળ આવતો હોવાની દલીલ કરવામાં આવી હતી.
મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે દલીલ દરમિયાન અયોધ્યાના રામપથનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અયોધ્યામાં સમગ્ર રામપથને વેજ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સ્વિગી તથા ઝોમેટો જેવી ખાદ્યપદાર્થોની પહોંચાડવાની સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉદાહરણ રજૂ કરીને રાજ્ય સરકારે ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના વેચાણને નિયંત્રિત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો.એક તરફ રેસ્ટોરન્ટના માલિકો પોતાના વ્યવસાય અને આજીવિકાના અધિકારનો હવાલો આપીને જાહેરનામાને પડકારી રહ્યા છે, તો બીજી તરફ રાજ્ય સરકાર ધાર્મિક સ્થળ તરફ જતા માર્ગની વિશેષતા અને અગાઉથી અમલમાં રહેલા નિયમોનો આધાર લઈને નિર્ણયને યોગ્ય ઠેરવી રહી છે. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
