<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

"શાળા નહીં તો વોટ નહીં"છોટા ઉદેપુરના વરધી ગામે શિક્ષણ માટે છેડ્યો જંગ: બપોરે સુધી 0 ટકા મતદાન

વરધી ગામે 4 વર્ષથી અધૂરી શાળાના કામના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર કર્યો :બપોરે 1 વાગ્યા સુધી શૂન્ય ટકા મતદાન નોંધાયું હતું

અમદાવાદ :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વરધી ગામની પ્રાથમિક શાળાના અધૂરા ભવનના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, બપોરે 1 વાગ્યા સુધી મતદાન મથક પર એક પણ મત પડ્યો નથી.

 

વરધી ગામના લોકોનો આક્ષેપ છે કે, છેલ્લા 4 વર્ષથી ગામની પ્રાથમિક શાળાના નવા મકાનનું કામ અધૂરું લટકી રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર પાયા ખોદીને કામ પડતું મૂકી દેવામાં આવ્યું છે. હાલમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માત્ર 3 ઓરડામાં ભણવા મજબૂર છે. ચોમાસામાં આ ઓરડાઓમાં પણ પાણી ટપકતું હોવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

 

ચૂંટણી બહિષ્કારના સમાચાર મળતા જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ વરધી ગામે દોડી આવ્યા હતા અને ગ્રામજનોને મતદાન કરવા સમજાવ્યા હતા. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને હવે ઠાલા આશ્વાસન નહીં, પણ લેખિત બાહેધરી જોઈએ છે. ગ્રામજનો પોતાની માગ પર અડગ રહેતા તંત્રની સમજાવટ નિષ્ફળ રહી છે.

 

એક તરફ સરકાર 'ભણશે ગુજરાત' ના નારા આપે છે, ત્યારે બીજી તરફ વરધી ગામના લોકોએ શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે લોકશાહીના પર્વનો ત્યાગ કરવો પડ્યો છે. શિક્ષણ માટે આટલી હદે જાગૃત અને આક્રમક બનેલા ગ્રામજનો હવે ક્યારે મતદાન કરશે કે પછી આખું ગામ મતાધિકારથી વંચિત રહેશે, તે જોવું રહ્યું.

(6:10 PM IST)