<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી : દૈનિક કેશલેસ કલેક્શન 2 કરોડને પાર

8,000થી વધુ બસોમાં UPI, ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુકિંગની સુવિધા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ડિજિટલ ગવર્નન્સને વેગ : આગામી મહિનાઓમાં 70% સુધી ડિજિટલ પેમેન્ટનું લક્ષ્ય : હર્ષ સંઘવી

ગાંધીનગર તા.૬ : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરાયેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ નિગમની દૈનિક આવકમાં લગભગ 30 ટકા હિસ્સો કેશલેસ માધ્યમોથી મળી રહ્યો છે. રાજ્યની 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI થકી ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરંટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે.

 

મુસાફરોને છૂટાની ઝંઝટમાંથી મુક્તિ

 

અમદાવાદના રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છૂટા પૈસાની ચિંતા કર્યા વગર તેમણે કન્ડક્ટર દ્વારા તરત જ જનરેટ કરાયેલા QR કોડને સ્કેન કરીને ટિકિટનું પેમેન્ટ કર્યું. 

“GSRTCની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. મારા જેવા હજારો લોકો નિયમિત રીતે માત્ર ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે. તેમના માટે આ વ્યવસ્થા અત્યંત સુવિધાજનક છે,” મનીષ ઘાંચીએ જણાવ્યું.

હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. GSRTC હવે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ આધારિત ઓનલાઈન પેમેન્ટ સહિતના અનેક વિકલ્પો દ્વારા ટિકિટ ચુકવણીની સુવિધા આપે છે.

 

 

દૈનિક ડિજિટલ કલેક્શન બમણું થયું: હર્ષ સંઘવી

 

 

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શક્તામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “સરેરાશ 27 લાખ મુસાફરો નિગમની બસોમાં પ્રવાસ કરે છે અને અંદાજે રોજ રૂ. 12 કરોડની આવક થાય છે. તેમાંની લગભગ 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. દૈનિક ડિજિટલ કલેક્શન છેલ્લા એક વર્ષમાં લગભગ રૂ. 1 કરોડથી વધીને હાલમાં રૂ. 2 કરોડથી વધુ થઈ ગયું છે અને સતત વધી રહ્યું છે. અમે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ.”

 

 

85% હિસ્સો UPIનો, 70%નું લક્ષ્ય

 

ઉલ્લેખનીય છે કે GSRTCમાં થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 85 ટકા હિસ્સો UPIનો છે. આ આંકડો દર્શાવે છે કે ગુજરાતભરમાં UPIનો વ્યાપ કેટલો વધ્યો છે. નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસ માટેની ચુકવણી પણ ડિજિટલ કરાઈ છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે.

નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “આગામી મહિનાઓમાં અમે ડિજિટલ પેમેન્ટનો હિસ્સો 60થી 70 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ માટે કોમર્શિયલ સેવાઓ અને પેસેન્જર પાસ સિસ્ટમમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરાશે.”

હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

(1:52 PM IST)