તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
પત્ની સ્વનિર્ભર હોવાથી ભરણ-પોષણમાં વધારો નહીં
પત્નીએ નોકરી અને કમાણીની હકીકત છુપાવી ભરણપોષણ વધારવા કરેલી અરજી ફેમલી કોર્ટે નામંજૂર કરી : અદાલતે નોંધ્યું કે અરજદાર પત્ની રાજદીપ એન્ટરપ્રાઇઝમાં હોસ્પિટલ ખાતે નોકરી કરીને માસિક રૂ. ૧૦,૦૦૦થી વધુની આવક મેળવે છે

અમદાવાદ,તા.૨૬: શહેરની ફેમિલી કોર્ટે પત્ની દ્વારા ભરણપોષણમાં વધારો મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી અંગે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે પતિની આવકનો વધારો હોવા છતાં પત્ની પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરીને માસિક રૂ. ૧૦,૦૦૦થી વધુની આવક મેળવે છે, પરંતુ આ હકીકત તેણે કોર્ટ સમક્ષ જાણીજોઈને છુપાવી હતી. જેથી પત્ની પોતાની કમાણી અને અગાઉ નક્કી થયેલા ભરણપોષણની રકમથી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ હોઈ, ભરણપોષણની રકમ વધારો કરી શકાય નહીં.
અરજદાર પત્ની મીનાબહેને પોતાના પતિ મોહિતભાઇ (ઓળખ છુપાવા નામ બદલ્યાં છે)વિરુદ્ધ સી.આર.પી.સી. ની કલમ ૧૨૭ મુજબ ભરણપોષણની રકમ વધારવા અરજી કરી હતી. જેમાં રજૂઆત કરી હતી કે, વર્ષ ૨૦૧૩માં અદાલતે પતિને માસિક રૂ. ૩,૫૦૦ ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. ૨૦૧૩ની સરખામણીએ હાલ મોંઘવારીમાં ખૂબ જ વધારો થયો છે. પતિ જનરલ પોસ્ટ ઓફિસ (GPO)માં ગવર્નમેન્ટ કર્મચારી તરીકે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી કરે છે અને સાતમા પગારપંચનો લાભ મેળવીને માસિક રૂ. ૫૦,૦૦૦ થી વધુ કમાય છે. આ ઉપરાંત, પત્નીને બીપીની બીમારી હોય અને દવાઓનો મોંઘો ખર્ચ થતો હોય, અગાઉ મંજૂર થયેલ રૂ. ૩,૫૦૦ માં વધારો કરી માસિક રૂ. ૧૫,૦૦૦ ભરણપોષણ પેટે આપવા માંગ કરી હતી.
સામાવાળા પતિ તરફે એડવોકેટ આશા સાધુએ કોર્ટમાં લેખિત જવાબ રજૂ કરીને પત્નીના દાવાનો સખત વિરોધ કર્યો હતો. પતિ તરફે દલીલ કરવામાં આવી હતી કે પત્ની ૨૦૧૬થી સિવિલ કેન્સર હોસ્પિટલ ખાતે ‘રાજદીપ એન્ટરપ્રાઇઝ' મારફતે વોર્ડબોય તરીકે નોકરી કરે છે અને માસિક રૂ. ૧૦,૦૦૦થી વધુનો પગાર મેળવી આર્થિક રીતે સ્વનિર્ભર છે. પત્નીએ કોર્ટ સમક્ષ પોતાની નોકરી અને કમાણીની વિગતો છુપાવીને ‘ઘરકામ' કરતી હોવાનું ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. વધુમાં પતિએ રજૂઆત કરી હતી કે તેના પર મૃતક(પહેલી) પત્નીના સંતાનોના અભ્યાસ, લાલનપાલન અને લગ્નની જવાબદારીઓ છે, તેમજ તેને પોતે હાર્ટની સર્જરી કરાવી હોવાથી તબીબી ખર્ચ થાય છે. પતિ તરફે પત્નીની હોસ્પિટલની નોકરીના ફોટોગ્રાફસ, હાજરીપત્રક અને પગાર સ્લીપ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.આવી રજૂઆત બાદ ફેમીલી કોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી હતી.
અદાલતે નોંધ્યું કે અરજદાર પત્ની રાજદીપ એન્ટરપ્રાઇઝમાં હોસ્પિટલ ખાતે નોકરી કરીને માસિક રૂ. ૧૦,૦૦૦થી વધુની આવક મેળવે છે, પરંતુ આ સત્ય તેણે પોતાની અરજી કે સોગંદનામામાં ક્યાંય દર્શાવ્યું નથી અને કોર્ટ સમક્ષ પોતાની આવક જાણીજોઈને છુપાવી છે. પત્નીની પોતાની માસિક કમાણી (આશરે રૂ. ૧૦,૦૦૦) અને અગાઉના હુકમ મુજબ મળતી ભરણપોષણની રકમ (રૂ. ૩,૫૦૦) મળીને તે પોતાનું જીવનનિર્વાહ અને ગુજરાન સક્ષમ રીતે ચલાવી શકે તેમ છે. અગાઉના હુકમ બાદ પતિની આવકમાં થોડો વધારો થયો છે, પરંતુ તેની સાથે તેના કૌટુંબિક ખર્ચ, બાળકોની જવાબદારીઓ અને પોતાની બીમારીનો ખર્ચ પણ વધ્યો છે. કોર્ટનો આખરી હુકમ પત્ની પોતાની કમાણી અને અગાઉ મંજૂર થયેલા ભરણપોષણથી પોતાનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ છે અને તેણે અદાલત સમક્ષ પોતાની કમાણી છુપાવી છે. આથી, ભરણ પોષણમાં વધારો કરી શકાય નહીં
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
