<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX ના નિર્ણય સામે વિવાદ: અમદાવાદના વકીલે પાઠવી કાનૂની નોટિસ

રોકડ નાણાં સ્વીકારવાનો ઇનકાર કરવા સામે કાયદાકીય સવાલો: RBI નોટિસ અને ગ્રાહક અધિકારો મુદ્દે ૭ દિવસમાં જવાબ માગ્યો

નવી દિલ્હી : અમદાવાદના પેલેડિયમ મોલ સ્થિત PVR INOX મલ્ટિપ્લેક્સમાં ટિકિટ અને ફૂડ કાઉન્ટર પર રોકડ (કેશ) રકમ સ્વીકારવાનો ઇનકાર કરી માત્ર UPI મારફતે જ ચૂકવણી કરવાનો આગ્રહ રાખવા બદલ વિવાદ સર્જાયો છે. આ મામલે અમદાવાદના વકીલ ઉત્કર્ષ દવેએ PVR INOX લિમિટેડને કાનૂની નોટિસ ફટકારીને કંપનીની "ઓન્લી કેશલેસ" નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

બનાવની વિગતો મુજબ, ગત ૧૩ સપ્ટેમ્બરે વકીલ ઉત્કર્ષ દવે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા, જ્યાં ફૂડ કાઉન્ટર પર સ્ટાફે રોકડ નાણાં સ્વીકારવાની ના પાડીને માત્ર UPI થી જ પેમેન્ટ સ્વીકારાશે તેમ જણાવ્યું હતું. આ અંગે વકીલે રજૂઆત કરી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એક્ટ, ૧૯૩૪ ની કલમ ૨૬(૧) મુજબ ભારતીય ચલણી નોટો લીગલ ટેન્ડર (કાયદેસરનું ચલણ) છે. ગ્રાહક સેવા આપતા વ્યવસાયોમાં રોકડનો સંપૂર્ણ અસ્વીકાર કરવો તે પારદર્શિતા અને ગ્રાહક અધિકારોનું હનન છે.

નોટિસમાં એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું મલ્ટિપ્લેક્સ દ્વારા કાઉન્ટર પર કેશલેસ નીતિ અંગે અગાઉથી કોઈ સ્પષ્ટ સૂચના કે બોર્ડ મારફતે ગ્રાહકોને જાણ કરવામાં આવી હતી? ઉપરાંત, જે ગ્રાહકો પાસે સ્માર્ટફોન, UPI કે ઇન્ટરનેટ સુવિધા ન હોય અને તેઓ કાયદેસરનું ચલણ આપવા તૈયાર હોય, તો પણ તેમને સેવાઓથી વંચિત રાખી શકાય કે કેમ તે અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.

આ મામલે legal નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ખાનગી વ્યવસાયો પોતાની પેમેન્ટ નીતિ નક્કી કરી શકે છે પરંતુ ગ્રાહકોને તેની જાણ અગાઉથી કરવી અનિવાર્ય છે. ફરિયાદીના વકીલે PVR INOX ને સાત દિવસની સમયમર્યાદા આપી જવાબ માગ્યો છે અને જો યોગ્ય સ્પષ્ટતા નહીં મળે તો ગ્રાહક કમિશન અને સંબંધિત સત્તામંડળોમાં કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

(9:24 PM IST)