તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 29th July 2026
નર્મદાનો નિનાઈ ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર: ચોમાસાની મેહરથી નિનાઈ ધોધમાં જીવંત થયું કુદરતનું સૌંદર્ય
સાતપુડાની ગોદમાં ધસમસતો નિનાઈ ધોધ, હરિયાળી વચ્ચે મનમોહક દૃશ્યો:સાતપુડાની વનરાજી વચ્ચે ધસમસતો નિનાઈ ધોધ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લો ચોમાસાની ઋતુમાં હરિયાળીની લીલી ચાદર ઓઢીને કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ડેડિયાપાડા તાલુકાનો પ્રખ્યાત નિનાઈ ધોધ હાલ પોતાના સંપૂર્ણ સૌંદર્યમાં ખીલી ઉઠ્યો છે. ધોધ માંથી ખળખળ વહેતું પાણી, આસપાસની ગાઢ વનરાજી અને ધુમ્મસથી છવાયેલું મનોહર વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
પ્રકૃતિના અદભુત સૌંદર્યને કારણે નર્મદા જિલ્લાને "ગુજરાતનું મીની કાશ્મીર" તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસામાં અહીંના જંગલો, નદીઓ અને ઝરણાં જીવંત બની ઊઠે છે. આ જ કુદરતી વૈભવ વચ્ચે આવેલો નિનાઈ ધોધ રાજ્યના મહત્વના પર્યટન સ્થળોમાં સ્થાન ધરાવે છે.
ડેડિયાપાડાના ઘનઘોર સાતપુડાના જંગલોમાં આવેલો નિનાઈ ધોધ અંદાજે ૩૦ ફૂટથી વધુ ઊંચાઈ પરથી ધસમસતો નીચે પડે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને અંદાજે ૨૭૦ જેટલા પગથિયાં ઉતરવા અને પરત ચઢવા પડે છે, છતાં કુદરતનો અદ્વિતીય નજારો જોવા દર વર્ષે લાખો લોકો અહીં પહોંચે છે.
માત્ર ચોમાસાની ઋતુ દરમિયાન જ નિનાઈ ધોધની મુલાકાત લેવા એક લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. પરિવાર, મિત્રો અને કુદરતપ્રેમીઓ માટે આ સ્થળ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે પણ આ સ્થળ ખૂબ લોકપ્રિય છે.
નિનાઈ ધોધ ગુજરાત રાજ્યના સ્ટેટ હાઇવે-163 પર આવેલો છે. તે ડેડિયાપાડાથી આશરે ૩૫ કિલોમીટર, સુરતથી લગભગ ૧૪૩ કિલોમીટર દૂર આવેલો છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ (આશરે ૧૨૫ કિ.મી.) અને નજીકનું એરપોર્ટ સુરત છે.
ચોમાસાના દિવસોમાં ધોધનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પ્રવાસીઓને સાવચેતી રાખવાની તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે.
નર્મદા જિલ્લાનો નિનાઈ ધોધ માત્ર એક પર્યટન સ્થળ જ નહીં, પરંતુ કુદરતના અદ્ભુત સર્જનનો જીવંત અનુભવ કરાવતું સ્થળ છે. ચોમાસાની ઋતુમાં અહીં પહોંચતા દરેક પ્રવાસી માટે આ નજારો જીવનભર યાદગાર બની રહે છે.
નિનાઈ ધોધ સાથે ધાર્મિક આસ્થાનું પણ અનોખું જોડાણ
નિનાઈ ધોધ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ સ્થાનિક લોકોની આસ્થા સાથે પણ જોડાયેલો છે. ધોધની નજીક આવેલા ખડકમાં નિનાઈ માતાનું પવિત્ર સ્થાન હોવાનું સ્થાનિક લોકોમાં વર્ષોથી માનવામાં આવે છે. ચોમાસામાં ધોધના પાણી વચ્ચે ખડક પર માતાજીના હાથ જેવી કુદરતી આકૃતિ સ્પષ્ટ દેખાતી હોવાનું સ્થાનિકો અને પ્રવાસીઓ જણાવે છે. આ અનોખું દૃશ્ય જોવા માટે પણ અનેક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં પહોંચે છે.
સ્થાનિક લોકમાન્યતા મુજબ નિનાઈ માતા આ સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે અને તેમના આશીર્વાદથી આ સ્થળનું કુદરતી સૌંદર્ય અવિરત જળવાઈ રહ્યું છે. પરિણામે નિનાઈ ધોધ કુદરતી પર્યટન સ્થળ હોવા ઉપરાંત આસ્થા અને શ્રદ્ધાનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
