<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ સંપન્ન : નીતિ આયોગના 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ૨૦૨૬'માં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

નવી ઉદ્યોગ નીતિ-૨૦૨૬ ગુજરાતને બનાવશે ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ પાવર હાઉસ : એપ્રિલ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૭૩.૯ બિલિયન યુએસ ડોલરનું ક્યુમ્યુલેટિવ એફડીઆઈ રોકાણ આવ્યું

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. તેમણે GCCIની બિનહરીફ વરાયેલી નવી ટીમને અભિનંદન પાઠવતાં કહ્યું કે આ વરણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને ખરા અર્થમાં સાકાર કરે છે. આ પ્રસંગે તેમણે વિદાય લેતા પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયર અને તેમની ટીમની સરાહનીય કામગીરીને પણ બિરદાવી હતી.

 

ઉપસ્થિત ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સદીઓથી વેપાર અને 'મહાજન પરંપરા'ની ભૂમિ રહ્યું છે અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટ્રેડિશનના સંગમ તરીકે વિશ્વમાં ઊભરી રહ્યું છે. રાજ્યની પ્રગતિના આંકડા રજૂ કરતાં તેમણે ઉમેર્યું કે નીતિ આયોગના 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ૨૦૨૬'માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. એટલું જ નહીં, એપ્રિલ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૭૩.૯ બિલિયન યુએસ ડોલરનું ક્યુમ્યુલેટિવ એફડીઆઈ (FDI) આવ્યું છે, જે ગુજરાતની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.

 

નવી ઉદ્યોગ નીતિ ૨૦૨૬ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે આ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે, જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે એમએસએમઈ (MSME)ને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમણે ઉદ્યોગપતિઓને આ નવી નીતિનો અભ્યાસ કરી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન તેમજ સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા વિક્રમ-૧ રોકેટ લૉન્ચ કરવાની ઘટનાઓ વૈશ્વિક મંચ પર ભારતની નવી છબિ પ્રસ્થાપિત કરશે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. ગુજરાત હવે સેમીકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર અને ડેટા સેન્ટર જેવાં ભાવિ ક્ષેત્રોમાં લીડર બની રહ્યું છે તે બાબતે ભાર મૂકી તેમણે ‘મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્ય સાથે ૫ ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણ માટે આહવાન કર્યું હતું.

 

આ પ્રસંગે GCCIના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ ચેમ્બરની આગામી કાર્યયોજનાની રૂપરેખા રજૂ કરી સહકારપૂર્ણ અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જ્યારે પૂર્વ પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે પોતાના કાર્યકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.

 

આ અવસરે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, ADC બેંકના ચેરમેન અજયભાઇ પટેલ, GCCIના પૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જિગીશભાઈ દોશી, વાઇસ પ્રેસિડેન્ટ હિતેનભાઈ વસંત, સુધાંશુભાઈ મહેતા, ગૌરાંગભાઈ ભગત, હિતેન્દ્રસિંહજી જાડેજા, અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા સહિત ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને ચેમ્બરના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(8:23 PM IST)