News of Friday, 13th November 2026
ગુજરાતના રાજકારણમાં નવુ વરસ, યુવાનો માટે સરસ : અભૂતપૂર્વ તકને તેડા
જો તૂફાનો મેં પલતે જા રહૈ હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ : ધારાસભાની ચૂંટણીમાં યુવાનોને મોટા પ્રમાણમાં ટીકીટ મળવાના સંજોગો : વરીષ્ઠોની સંભવિત નારાજગી રોકવામાં રાજકીય પક્ષોની કસોટી

રાજકોટ, તા., ૧૩ : ગુજરાતમાં વિક્રમ સવંત ર૦૮૩ નું વર્ષ રાજકીય રીતે મહત્વપુર્ણ બનશે. આવતી દિવાળી ર૯ ઓકટોબર ર૦ર૭ ના દિવસે છે. ત્યાર પછી તુરત નવેમ્બર -ડીસેમ્બરમાં ચુંટણી યોજાવાપાત્ર છે. આવતી દિવાળી ટાણે વિધાનસભાની ચુંટણીના ઢોલ વાગતા હશે. સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી ચુંટણીને માત્ર ૧ વર્ષ જ બાકી રહયું હોવાથી આખુ વર્ષ રાજકીય ગરમાવાથી ભરપુર રહેશે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો હવે તહેવારના માહોલમાંથી બહાર આવીને ચુંટણીની તડામાર તૈયારી કરવાના મિજાજમાં છે. આ વખતની ચુંટણીમાં ‘જેન ઝી' તરીકે ઓળખાતા યુવા વર્ગની ભૂમિકા નિર્ણાયક બનશે. નીટનું પેપર ફુટવાના વિરોધમાં ચાલેલા આંદોલન પછી કોકરોજ જનતા પાર્ટી (સી.જે.પી.) અસ્તિત્વમાં આવી છે. બદલાયેલા સમય-સંજોગો મુજબ તમામ પાર્ટીઓ હવે થનગનતા અને મનગમતા યુવાનોને આગળ કરવા માંગે છે. યુવાનોને જવાબદારી સોંપતી વખતે ઉંમર ઉપરાંતની યોગ્યતા પણ ધ્યાને લેવી પડશે.
ગુજરાતની સ્થાનિક ચુંટણીઓમાં રાજકીય પક્ષોના ઉમેદવારોમાં યુવા વર્ગનું પ્રમાણ મોટુ દેખાયું છે. નવા સ્થાનિક પદાધિકારીઓની પસંદગીમાં પણ યુવાનોને આગળ કરવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ માટે યુવાનોને સતા અને સંગઠનમાં અગ્રતા આપવાનું આવશ્યક બન્યું છે.
જાહેર જીવનમાં યુવા સંગઠને પોતાની તાકાત પ્રદર્શિત કર્યા પછી રાજય અને રાષ્ટ્રના રાજકારણની દિશા બદલાઇ રહી છે. રામ મંદિરમાં દાન ચોરી, નીટના પેપરનું ફુટવુ અને વોટચોરી જેવા મુદ્દાઓને લીધે કેન્દ્ર સરકારને ઘેરવા વિપક્ષોની એકતા વધી રહી છે. ભાજપ અને સાથી પક્ષો માટે આ મોટો પડકાર સર્જાઇ રહયો છે. સોશ્યલ મીડીયાના જમાનામાં યુવાનો રાજકીય સમીકરણોના સર્જનમાં ચાવીરૂપ ભૂમીકામાં રહેશે. આવનારા દિવસોમાં યુવાનો સતામાં મોટા પ્રમાણમાં આવે તેવા એંધાણ છે. યુવા નેતૃત્વનો દેશને લાભ મળશે.
બીજી તરફ યુવા વર્ગને સંગઠન અને સતામાં વધુ સ્થાન આપવાથી વરિષ્ઠ કાર્યકરોની એટલા પ્રમાણમાં બાદબાકી થશે તે સ્વભાવિક છે. ૬પ વર્ષથી ઉપરના અગ્રણીઓને સાચવવામાં રાજકીય પક્ષોની કસોટી થઇ જશે. દેશને યુવાનોના તરવરાટ અને વડીલોના અનુભવ બન્નેની જરૂર છે. બન્ને વર્ગનું સંતુલન જાળવવુ દરેક પક્ષ માટે અઘરૂ છે. યુવાનોને વધારે પડતુ મહત્વ આપવા જતા વરીષ્ઠો નારાજ ન થઇ જાય તે બાબત પણ સજાગ રહેવા જેવી છે. સતામાં કે સંગઠનમાં મુખ્ય સ્થાને આવનારા યુવાનોએ પરીપકવતા બતાવવી પડશે. આવનારા સમયમાં રાજયના રાજકારણમાં યુવાનોને અભુતપુર્વ મહત્વ મળશે પણ એના કારણે કેટલા ‘ભુતપુર્વ' થઇ જશે તે તો સમય જ બતાવશે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
