તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
નૂતનવર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા-અર્ચના કરી
તેમણે રાજ્યવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવીને સૌને 'વિકસિત ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત'ના નિર્માણ માટે સહભાગી બનવા આહ્વાન કર્યું

આજથી વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નૂતન વર્ષની શરૂઆત ધાર્મિક ભાવના સાથે કરી હતી. ગાંધીનગરના પંચદેવ મંદિરે પહોંચીને મુખ્યમંત્રીએ ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રી પંચદેવ મંદિરે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા જાળવી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ. સૌના સહયોગ અને સંકલ્પથી સમૃદ્ધ, સ્વસ્થ અને સશક્ત ભારતનું નિર્માણ થાય તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
