<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

યુસુફ પઠાણ વિવાદ વચ્ચે વડોદરામાં નવો વળાંક: ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ માટે ક્રિકેટ અકાદમી બનાવવા જમીનની માગ, VMCમાં રજૂ કરાયો પ્રસ્તાવ

વડોદરાને ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવા અને સ્થાનિક મહિલા ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ આપવાના હેતુથી પ્લોટ ફાળવવા રજૂઆત: પોતાના ખર્ચે ગ્રાઉન્ડ બનાવી ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવાઈ

વડોદરા : ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ક્રિકેટર તેમજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને ક્રિકેટ અકાદમી માટે પ્લોટ ફાળવવાના વિવાદ વચ્ચે હવે વડોદરામાં વધુ એક નવો વળાંક આવ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવ માટે પણ શહેરમાં ક્રિકેટ અકાદમી સ્થાપવા અર્થે વડોદરા મહાનગરપાલિકા (VMC) સમક્ષ જમીન ફાળવણી માટેનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે. આ ઘટનાક્રમે વડોદરાના રમતગમત અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

વડોદરાના સ્થાનિક બાળકો, ખાસ કરીને યુવા મહિલા ખેલાડીઓને આધુનિક અને ઉચ્ચ કક્ષાની ક્રિકેટ તાલીમ મળી રહે તેવા ઉમદા હેતુથી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ હેઠળ રાધા યાદવને પ્લોટ ફાળવવાની માગ કરાઈ છે. વડોદરાના પૂર્વ કોર્પોરેટર બંદિશ શાહે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્કારી નગરી વડોદરાને ‘સ્પોર્ટ્સ સિટી’ તરીકે વિકસાવવાની સામૂહિક યોજનાના ભાગરૂપે આ પ્રસ્તાવ પાલિકા સમક્ષ મૂકવામાં આવ્યો છે, જેથી આવનારી પેઢીના ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી શકે.

હાલના તબક્કે ભારતીય ટીમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રાધા યાદવ ઇન્ડોર ક્રિકેટ અકાદમીમાં પ્રેક્ટિસ કરી રહી છે, પરંતુ તેમના કૌશલ્યના વધુ સારા વિકાસ અને અન્ય ઉભરતા ખેલાડીઓની તાલીમ માટે એક વિશાળ આઉટડોર ગ્રાઉન્ડ અત્યંત જરૂરી બન્યું છે. બંદિશ શાહે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે પ્રસ્તાવિત ક્રિકેટ ગ્રાઉન્ડનો તમામ વહીવટી અને બાંધકામનો ખર્ચ ખેલાડી કે અકાદમી દ્વારા પોતે ઉઠાવવામાં આવશે અને તે માટે મહાનગરપાલિકાને નિયમ મુજબનું નિયમિત ભાડું પણ ચૂકવવામાં આવશે.

બીજી તરફ, વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વર્ષા વ્યાસે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, તેમને હાલમાં આવા કોઈ પ્રસ્તાવ અંગે સત્તાવાર રીતે લિખિત જાણકારી મળી નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો મહિલા ક્રિકેટર રાધા યાદવ અથવા તેમના પ્રતિનિધિ તરફથી સત્તાવાર પ્રસ્તાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે, તો પાલિકાના નિયમાનુસાર તેના પર યોગ્ય અને સકારાત્મક વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુસુફ પઠાણને પ્લોટ આપવાના મુદ્દે અગાઉ વિપક્ષી નેતાઓ અને શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વડોદરા શહેરનું નામ રોશન કરનારા અંશુમન ગાયકવાડ, હાર્દિક પંડ્યા, રાધા યાદવ અને અર્જુન એવોર્ડ વિજેતા સુધીર પરબ જેવા અનેક સ્થાનિક ખેલાડીઓ હોવા છતાં પાલિકા દ્વારા ભૂતકાળમાં તેમને આવી કોઈ જમીન ફાળવવામાં આવી નહોતી.

આ વિવાદ અને રાજકીય ઘમાસાણ વચ્ચે હવે રાધા યાદવ માટે જમીનની માગણીનો પ્રસ્તાવ સામે આવતાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો વડોદરામાંથી વધુ મહિલા ક્રિકેટરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી શકશે.

(6:50 PM IST)