<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક:બ્રહ્મ સમાજના આગેવાન ભાવેશ દવે બાપુના સમર્થનમાં

યજ્ઞેશ દવે સામે સવાલો ઉઠાવતા તેમણે યજ્ઞેશ દવેના ભૂતકાળના રાજકીય જોડાણનો ઉલ્લેખ કર્યો અને યુવાનોને આવા વિવાદમાં ન ઉશ્કેરવાની અપીલ કરી .

અમદાવાદ : રાજ્યના  પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના અનામત અને સમાજ અંગેના નિવેદનને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. વાઘેલાના નિવેદનની બ્રહ્મ સમાજ સહિત વિવિધ વર્ગોમાંથી ટીકા થયા બાદ હવે બ્રહ્મ સમાજના આગેવાન ભાવેશ દવે તેમના સમર્થનમાં આવ્યા છે. ભાવેશ દવેએ બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવે સામે સવાલો ઉઠાવી સીધા સવાલ કર્યા છે.

ભાવેશ દવેએ કહ્યું કે, યજ્ઞેશ દવે ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાના પક્ષ સાથે જોડાયેલા હતા અને મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમણે સવાલ કર્યો કે અગાઉ બ્રાહ્મણ સમાજ અંગે અન્ય લોકો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી ત્યારે તેઓ ક્યાં હતા? ભાવેશ દવેએ યજ્ઞેશ દવે પર નામ પૂરતી સંસ્થા ચલાવવાનો પણ આક્ષેપ કર્યો. સાથે તેમણે અપીલ કરી કે આવા વિવાદોમાં યુવાનોને ઉશ્કેરવાના પ્રયાસ ન કરવા જોઈએ.

શંકરસિંહ વાઘેલાની ટિપ્પણી સામે યજ્ઞેશ દવેએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આવા કાર્યની શરૂઆત શંકરસિંહ વાઘેલાએ પોતાની જાતથી કરવી જોઈએ. દવેએ પડકાર આપતા જણાવ્યું હતું કે જો શંકરસિંહ વાઘેલા મેલું ઉપાડે તો તેઓ તેમને દર મહિને પાંચ લાખ રૂપિયા આપવા તૈયાર છે. આ નિવેદન બાદ સમગ્ર મુદ્દો સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.

2 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ અનામતના સમર્થનમાં વાત કરતાં પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અનામતનો વિરોધ કરનાર લોકો જો મેલું ઉપાડવાનું કામ કરવા તૈયાર હોય તો તેઓ દર મહિને ₹50 હજાર આપુ.

શંકરસિંહ વાઘેલાની આ ટિપ્પણી બાદ બ્રહ્મ સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો. યજ્ઞેશ દવેએ પણ વાઘેલા સામે પ્રતિક્રિયા આપી હતી. હવે ભાવેશ દવેએ વાઘેલાના સમર્થનમાં યજ્ઞેશ દવે સામે જ સવાલો ઊભા કરતાં વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બંને તરફથી થઈ રહેલા નિવેદનોને કારણે આ મુદ્દો રાજ્યના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચામાં છે.

(12:47 AM IST)